કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકીને લાગ્યો ઝિકા વાયરસનો ચેપ, આરોગ્ય વિભાગ એલર્ટ

13 December, 2022 11:30 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ લગભગ ખતમ થઈ રહ્યા છે, ત્યારે હવે ઝિકા વાયરસે (Zika Virus) સરકારની ચિંતા વધારી દીધી છે. પુણે બાદ હવે કર્ણાટકમાં ઝીકા વાયરસ (Karnataka Zika Virus Case)નો એક કેસ સામે આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે સોમવારે જણાવ્યું હતું કે રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઝિકા વાયરસનો આ પ્રથમ કેસ છે. જો કે, મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે.

કે. સુધાકરે કહ્યું કે, “પુણેની લેબમાંથી અમને મળેલા રિપોર્ટમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સેમ્પલ અહીંથી 5 ડિસેમ્બરે મોકલવામાં આવ્યું હતું. આ સાથે વધુ 2 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. અન્ય બેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે, “જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પાંચ વર્ષની બાળકી છે. હાલમાં આરોગ્ય વિભાગ બાળકી પર નજર રાખી રહ્યું છે. થોડા મહિના પહેલાં કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસના કેસ જોવા મળ્યા હતા.

આરોગ્ય પ્રધાને કહ્યું કે “સરકાર સાવચેતી રાખી રહી છે અને રાયચુર અને પડોશી જિલ્લાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ હોસ્પિટલમાં શંકાસ્પદ ચેપના કેસ જોવા મળે તો ઝિકા વાયરસના ટેસ્ટ માટે સેમ્પલ મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે. હાલમાં જે છોકરીને આ વાયરસની પુષ્ટિ થઈ છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધી આ વાયરસનો માત્ર એક કેસ છે. તે મળતાની સાથે જ સાવચેતી રાખવામાં આવી રહી છે.”

આ પણ વાંચો: મની લૉન્ડ્રિંગ કેસ: નવાબ મલિક જામીન માટે મુંબઈ ઉચ્ચ ન્યાયાલય પહોંચ્યા

ઝિકા વાયરસ શું છે?

ઝિકા વાયરસ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી જ ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે જ વધુ સક્રિય હોય છે. આ વાયરસથી થતું ઈન્ફેક્શન એટલું ખતરનાક હોય છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ શક્યતા રહે છે.

national news karnataka