પહેલી વાર ભારતની ભૂમિમાંથી થયાં કૈલાસ પર્વતનાં દર્શન

06 October, 2024 08:16 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

પાંચ ભાવિકોની પહેલી ટીમે ગુરુવારે ઓલ્ડ લિપુલેખ પાસ પર ઊભા રહીને ભગવાન શિવના નિવાસસ્થાનનાં દર્શન કર્યાં

કૈલાસ પર્વત

ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવતા કૈલાસ પર્વતનાં દર્શન હવે ભારતની ભૂમિ પરથી થઈ શકે છે અને ગુરુવારે પાંચ ભાવિકોની પહેલી ટુકડીને કૈલાસ પર્વતનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ભારતમાં ઓલ્ડ લિપુલેખ પાસથી આ દર્શન કરવાં શક્ય બન્યાં હતાં. ઓલ્ડ લિપુલેખ પાસ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની વ્યાસ વૅલીમાં આવેલો છે અને એ ઘણું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. અગાઉ કૈલાસ પર્વતનાં દર્શન કરવા માટે ભાવિકોને તિબેટ ઑટોનૉમસ રીજનમાં જવું પડતું હતું, પણ હવે ભારતની ભૂમિ પરથી જ કૈલાસ પર્વતનાં દર્શન કરવાં શક્ય બન્યાં છે.

પહેલી ટીમ પહોંચી

ભાવિકોની ટીમ સાથે રહેલા પિથોરાગઢના ડિસ્ટ્રિક્ટ ટૂરિસ્ટ ઑફિસર કીર્તિ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે પહેલા બૅચના પાંચ ભાવિકોએ ઓલ્ડ લિપુલેખ પાસ પરથી માઉન્ટ કૈલાસનાં દર્શન કર્યાં એ ક્ષણ અદ‌્ભુત અને ઇમોશનલ હતી. ભાવિકોની આ ટીમ બુધવારે ગુંજી કૅમ્પ પહોંચી હતી અને ઓલ્ડ લિપુલેખ પાસ સુધી જવા તેમણે આશરે અઢી કિલોમીટરનું ટ્રૅકિંગ કર્યું હતું. પાંચેય ભાવિકો એકદમ ઉત્સાહમાં હતા અને કૈલાસ પર્વતનાં દર્શન કરીને તેમની આંખોમાં હર્ષનાં આસું આવી ગયાં હતાં.

પાંચ સદ‌્ભાગી ભાવિક

પહેલા બૅચના ભાવિકોમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલનાં નીરજ અને મોહિની, ચંડીગઢના અમનદીપ કુમાર જિંદલ અને રાજસ્થાનના કેવલ કૃષ્ણન અને નરેન્દ્ર કુમારનો સમાવેશ હતો.

પાઇલટ પ્રોજેક્ટ

ભારતીય ભૂમિમાંથી કૈલાસ દર્શનનો આ પ્રોજેક્ટ ઉત્તરાખંડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવ્યો છે, કારણ કે તિબેટ ઑટૉનૉમસ રીજને કોવિડ-19 બાદ ઘણાં વર્ષોથી કૈલાસ માનસરોવર યાત્રા રદ કરી દીધી છે. થોડા મહિના પહેલાં ઉત્તરાખંડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ, બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO) અને ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ની ટીમે ઓલ્ડ લિપુલેખમાંથી એ પૉઇન્ટ શોધી કાઢ્યો હતો જ્યાં ઊભા રહીને ભારતમાંથી પણ કૈલાસ પર્વતનાં દર્શન કરી શકાય છે.

વ્યક્તિદીઠ ૮૦,૦૦૦નો ખર્ચ

ઉત્તરાખંડ ટૂરિઝમ વિભાગે માઉન્ટ કૈલાસ, આદિ કૈલાસ અને ઓમ પર્વતનાં દર્શન માટે ખાસ પૅકેજ ઘડી કાઢ્યું છે. ચાર રાત અને પાંચ દિવસના આ પૅકેજની કિંમત વ્યક્તિદીઠ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સહિત ૮૦,૦૦૦ રૂપિયા છે. આ પૅકેજમાં પિથોરાગઢથી ગુંજી સુધીની બન્ને તરફની હેલિકૉપ્ટર યાત્રાની ટિકિટ અને કુમાઉં મંડલ વિકાસ નિગમ (KMVN) કે હોમસ્ટેમાં રહેવાની સુવિધાનો સમાવેશ છે. આનું બુકિંગ KMVNની વેબસાઇટ kmvn.in પરથી કરી શકાય છે.

શું કહ્યું મુખ્ય પ્રધાને?

ભારતની ભૂમિમાંથી કૈલાસનાં દર્શન કરાવવા માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ વિવિધ
સરકારી વિભાગોનો આભાર માન્યો હતો અને કહ્યુ હતું કે આ દર્શાવે છે કે રાજ્ય સરકાર એના કાર્ય પ્રત્યે સમર્પિત છે; હવે ભાવિકોને કૈલાસ માનસરોવર યાત્રા માટે રાહ જોવી નહીં પડે, ભારતમાંથી જ તેઓ કૈલાસનાં દર્શન કરી શકશે.

 

national news uttarakhand religious places travel news india