10 March, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2(h3n2 Virus)થી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. જણાવવામાં આવ્યું છે કે આ વાયરસને કારણે કર્ણાટક (Karnataka)ના હાસનના 82 વર્ષીય વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકનું નામ હીરા ગૌડા છે. 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું. હવે પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તે H3N2 વાયરસથી સંક્રમિત હતા.
અધિકારીએ કહ્યું કે હીરા ગૌડા ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પણ પીડિત હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું. 6 માર્ચે તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નોંધનીય છે કે પાંચ દિવસ પહેલા કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે.કે. સુધાકરે H3N2 ના કેસોને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ દર અઠવાડિયે 25 ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે કહ્યું કે આ ચેપ 15 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે.
આ પણ વાંચો: સાવકા ભાઈ-બહેનના આડા સંબંધનો કર્યો વિરોધ, બંનેએ મળી કરી માતાની હત્યા
ઉલ્લેખનીય છે કે હાલમાં, દેશમાં H3N2 વાયરસના 90 કેસની પુષ્ટિ થઈ છે, જેને હોંગકોંગ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય H1N1 વાયરસના આઠ કેસ પણ નોંધાયા છે. દેશમાં વધી રહેલા આવા કેસો પર ડોક્ટરોએ પણ નિવેદન જારી કર્યા છે. તેનાથી સંક્રમિત લોકોને તાવ, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી છે. આ ઉપરાંત, તેઓ શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને ઝાડાની ફરિયાદ કરી શકે છે. આ લક્ષણો એક અઠવાડિયા સુધી રહે છે.