01 July, 2024 08:15 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેરલાના કાસરગોડ જિલ્લામાં પલ્લંચી ફૉરેસ્ટ રોડ પર ગુરુવારે વહેલી સવારે એક કાર નદીમાં ખાબકી હતી. એ પછી બે યુવાનોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા. આ યુવાનો ગૂગલ-મૅપના આધારે કર્ણાટકમાં આવેલી એક હૉસ્પિટલમાં જઈ રહ્યા હતા અને તેમની કાર નદીમાં પડી હતી. જોકે કાર નદીમાં વહીને એક ઝાડમાં ફસાઈ ગઈ હતી અને ફાયરબ્રિગેડે બન્ને યુવાનોને બચાવી લીધા હતા.
આ ઘટના વિશે બોલતાં યુવાનોએ કહ્યું હતું કે ‘ગૂગલ-મૅપથી રસ્તો ફૉલો કરતાં અમે એક સાંકડી ગલીમાં પહોંચ્યા હતા અને રાત હોવાથી અંધારું હતું અને હેડલાઇટમાં જે દેખાતું હતું એના આધારે અમે આગળ વધતા હતા. અમે એક સાંડકી ગલીમાં પહોંચ્યા હતા અને એ રસ્તો અમને નદી પરના સાંકડા પુલ પર લઈ ગયો હતો. અમે કંઈ સમજીએ કે વિચારીએ એ પહેલાં કાર નદીમાં પડી હતી અને પાણીનો પ્રવાહ તેજ હોવાથી અમારી કાર તણાઈ ગઈ હતી. જોકે એક ઝાડ પર કાર અટકતાં અમે મોબાઇલ ફોનથી અમારાં સગાંસંબંધીઓને ફોન કર્યો અને એ પછી ફાયરબ્રિગેડે આવીને અમને બચાવી લીધા હતા.