08 December, 2024 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પંજાબના પટિયાલામાં શંભુ બૉર્ડર પાસેની પ્રાેટેસ્ટ-સાઇટ પર ભેગા થયેલા ખેડૂતો.
ખેડૂતોની વિવિધ માગણીના મુદ્દે કેન્દ્ર સરકાર વાટાઘાટો માટે તૈયાર નહીં હોવાથી આજે બપોર પછી ખેડૂતો પંજાબથી દિલ્હી તરફ માર્ચ શરૂ કરવાના છે. આ મુદ્દે પંજાબના ખેડૂતનેતા સરવણ સિંહ પાંઢેરે ગઈ કાલે જણાવ્યું હતું કે અમને સરકાર તરફથી વાટાઘાટો માટે કોઈ મેસેજ આવ્યો નથી એટલે ૧૦૧ ખેડૂતોનું ગ્રુપ રવિવારે બપોરે તેમની દિલ્હી તરફની માર્ચ શરૂ કરશે.
શુક્રવારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમની દિલ્હી તરફની પદયાત્રા અટકાવી દીધી હતી, કારણ કે પંજાબ-હરિયાણા બૉર્ડર પર સિક્યૉરિટી અધિકારીઓએ તેમની કૂચ પર ટિયર ગૅસના શેલ છોડ્યા હતા અને એમાં ઘણા ખેડૂતોને ઈજા પહોંચી હતી. આ ખેડૂતોને ત્યાં જ રોકી દેવામાં આવ્યા હતા. ખેડૂતો વિવિધ માગણીઓ ઉપરાંત મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) માટે કાનૂની ગૅરન્ટી માગી રહ્યા છે.
આ મુદ્દે પંજાબ-હરિયાણા બૉર્ડર સરહદ પર શંભુ બૉર્ડર ખાતે મીડિયાને સંબોધતાં સરવણ સિંહ પાંઢેરે જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા
(બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ નક્કી કર્યું છે કે ૧૦૧ ખેડૂતોનું ગ્રુપ રવિવારે બપોર પછી શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરશે.