09 December, 2024 12:53 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
પંજાબ-હરિયાણા પાસે આવેલી શંભુ બૉર્ડરથી ગઈ કાલે ૧૦૧ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી
પંજાબ-હરિયાણા પાસે આવેલી શંભુ બૉર્ડરથી ગઈ કાલે ૧૦૧ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી, પણ પોલીસ સાથે થયેલી તેમની મૂઠભેડમાં નવ ખેડૂતો ઘાયલ થયા બાદ ખેડૂતોએ પોતાની દિલ્હીની કૂચ મુલતવી રાખી હતી. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) સહિતની માગણીને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
ગઈ કાલે આગળ વધી રહેલા ખેડૂતો પર પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા. તેમનું કહેવું હતું કે તેમની પાસે જે ૧૦૧ ખેડૂતોનાં નામ છે એની સાથે કૂચ કરી રહેલા લોકોનાં નામ મૅચ ન થતાં હોવાથી અમે તેમને આગળ નહીં જવા દઈએ. આની સામે ખેડૂતોનું કહેવું હતું કે પોલીસ પાસે ખોટું લિસ્ટ છે અને એણે અમને અટકાવવા ન જોઈએ. આ બધામાં બન્ને પક્ષ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટિયરગૅસના સેલ છોડવા પડ્યા હતા. જોકે ખેડૂતોએ પોતાનું આંદોલન સ્થગિત કરી દેતાં પોલીસે તેમના પર ફૂલોની વર્ષા પણ કરી હતી.