03 December, 2024 11:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નોએડાથી ખેડૂતોએ ગઈ કાલે દિલ્હી ભણી માર્ચ શરૂ કરી
વિવિધ માગણીના ટેકામાં નોએડાથી ખેડૂતોએ ગઈ કાલે દિલ્હી ભણી માર્ચ શરૂ કરી હતી અને એના લીધે દિલ્હીમાં ભારે ટ્રાફિક જૅમ થયો હતો. નોએડાથી દિલ્હીમાં પ્રવેશ માટેના મહામાયા ફ્લાયઓવર પર સાડાત્રણ કલાક સુધી એક્સપ્રેસ-વે બંધ રહ્યો હતો. ગ્રેટર નોએડા તરફ જતો ટ્રાફિક પણ એક કલાક સુધી અટવાયો હતો. બે દિવસ પહેલાં ખેડૂતો અને પ્રશાસન વચ્ચે યોજાયેલી બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો. હવે ખેડૂતોએ પ્રશાસનને સાત દિવસની મહેતલ આપી છે. ખેડૂતોની માગણી નોએડા, ગ્રેટર નોએડા અને યમુના પ્રાધિકરણને લગતી છે.
ખેડૂતોની માગણી નીચે મુજબ છે.
નવા ભૂમિ અધિગ્રહણ કાયદા હેઠળ ૨૦૧૪ની પહેલી જાન્યુઆરી બાદ સરકારે લીધેલી જમીન પર ચારગણું વળતર આપવામાં આવે. એમાં ૨૦ ટકા પ્લૉટ ખેડૂતોને પાછા આપવામાં આવે.
નોએડા, ગ્રેટર નોએડા અને યમુના પ્રાધિકરણમાં અધિગૃહિત કરાયેલી જમીનમાં ૧૦ ટકા પ્લૉટ ખેડૂતોને આપવામાં આવે. જૂના વળતર કાયદામાં ૬૪.૭ ટકાનો વધારો કરવામાં આવે.
અતિક્રમણના નામે બુલડોઝર કાર્યવાહી રોકવામાં આવે.
ગૌતમ બુદ્ધ નગરમાં ૧૦ વર્ષથી સર્કલ રેટમાં વધારો કરવામાં આવ્યો નથી, એમાં વધારો કરવામાં આવે.