14 September, 2023 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૦૬ દરમ્યાન થયેલા કથિત ફેક એન્કાઉન્ટર્સની તપાસ માટે માગણી કરતી બે અલગ-અલગ અરજીઓ પર આવતા અઠવાડિયા પછી સુનાવણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ સિનિયર પત્રકાર બી. જી. વર્ગીઝ અને જાણીતા ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ હાશ્મી દ્વારા ૨૦૦૭માં દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ અરજીઓમાં કથિત ફેક એન્કાઉન્ટર્સની તપાસ માટે માગણી કરવામાં આવી છે. વર્ગીઝનું ૨૦૧૪માં નિધન થયું હતું.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આ અરજીઓ આવી હતી.
અરજીકર્તા તરફથી હાજર ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ‘આ મામલો ઘણા સમયથી પેન્ડિંગ છે. ૨૦૦૨થી ૨૦૦૬ દરમ્યાન ગુજરાતમાં અનેક કથિત ફેક એન્કાઉન્ટર્સની તપાસ કરનારા જસ્ટિસ એચ. એસ. બેદી કમિટીનો રિપોર્ટ ઘણા સમય પહેલાં જ આવી ગયો હતો.’
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બેદીની ગુજરાતમાં થયેલા ૧૭ કથિત ફેક એન્કાઉન્ટર કેસની તપાસ કરતી મૉનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટીએ ૨૦૧૯માં એક સીલ કવરમાં સુપ્રીમ કોર્ટને એક રિપોર્ટ સબમિટ કર્યો હતો.