03 June, 2024 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીની આવતી કાલે મતગણતરી કરવામાં આવશે એ પહેલાં એક્ઝિટ પોલ આવી ગયા છે જેમાં વિરોધ પક્ષોના ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) ગઠબંધનને ૧૩૧થી ૧૬૬ બેઠક તો નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને ૩૬૧થી ૪૦૧ જેટલી બેઠક સાથે પ્રચંડ બહુમત મળે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને મહારાષ્ટ્રે INDIA બ્લૉકની આશા પર પાણી ફેરવ્યું હોવાનું એક્ઝિટ પોલ પરથી જણાઈ આવે છે. આ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને યોગ્ય મુદ્દા સાથે જનતા સમક્ષ ગયા હોત તો તેમને ફાયદો થાત એવી ચર્ચા છે. એક્ઝિટ પોલમાં વિરોધ પક્ષોના બ્લૉકને આંધ્ર પ્રદેશમાં એક પણ નહીં, તેલંગણમાં ચારથી છ, પશ્ચિમ બંગાળમાં એકથી બે, ઓડિશામાં એક તો મહારાષ્ટ્રમાં ૧૬થી ૨૦ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.