03 February, 2023 11:04 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત - સૌંજન્ય મિડ-ડે
જયપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેના નિવેદનની ચર્ચા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ દેશમાં રહેતો દરેક નાગરિક હિન્દુ છે કેમ કે તેમના પૂર્વજો હિન્દુઓ હતા. તેમની ઉપાસના અને પ્રાર્થના કરવાની રીત અલગ હોઈ શકે છે, પરંતુ તમામના ડીએનએ એક જ છે.
બુધવારે જયપુરમાં બિરલા ઑડિટોરિયમમાં દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ‘સંઘને સમજવા માટે દિમાગ નહીં પરંતુ હૃદય જોઈએ. માત્ર દિમાગથી કામ નહીં ચાલે કેમ કે દિલ અને દિમાગ ઘડવાનું જ સંઘનું કામ છે. આ જ કારણે ભારતના રાષ્ટ્રીય જીવનમાં સંઘનો પ્રભાવ છે. દેશમાં લોકશાહીની સ્થાપનામાં આરએસએસની ભૂમિકા રહી છે. આ વાત વિદેશી પત્રકારોએ લખી હતી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ભારતમાં ૬૦૦થી વધારે જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ. અમે હિન્દુ નથી. ભારત વિરોધી તાકાતોએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. તેમના માટે દરવાજા બંધ નથી કેમ કે અમે વસુધૈવ કુટુમ્બકમના વિચાર પર કામ કરીએ છીએ. કોઈએ મજબૂરીમાં ભલે ગૌમાંસ ખાધું હોય, કોઈ કારણથી તેઓ ચાલ્યા ગયા હોય તો દરવાજા બંધ ન કરી શકીએ. આજે પણ તેમની ઘરવાપસી થઈ શકે છે.’
હિન્દુની વ્યાખ્યા વિશે તેમણે કહ્યું હતું કે ‘ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે કેમ કે આ દેશને ઘડનારા હિન્દુ છે. ભારત ભૂમિને પિતૃભૂમિ માનનારા હિન્દુ છે. જેમના પૂર્વજો હિન્દુ છે તેઓ તમામ હિન્દુ છે. જે પોતાની જાતને હિન્દુ માને છે તે હિન્દુ છે.’
સંઘ વિશે તેમણે કહ્યું હતું કે ‘આજે રાષ્ટ્ર જીવનના કેન્દ્રસ્થાને સંઘ છે. સંઘ વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણ માટે કામ કરતો રહેશે. આજે સંઘનાં એક લાખ સેવા કામ ચાલે છે. સંઘ એક જીવન પદ્ધતિ અને કાર્યપદ્ધતિ છે. હિન્દુત્વના સતત વિકાસની શોધનું નામ આરએસએસ છે.’