ઉત્તર પ્રદેશમાં ૮૦ બેઠકો મળે તો પણ હું EVM પર ભરોસો નહીં જ કરું : અખિલેશ યાદવ

03 July, 2024 10:10 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં પેપર-બૅલટથી ચૂંટણી થાય છે અને એવી પ્રથા ભારતમાં લાવવામાં આવવી જોઈએ એમ જણાવતાં અખિલેશ યાદવે કહ્યું હતું

અખિલેશ યાદવ (ફાઇલ તસવીર)

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લેતાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ગઈ કાલે લોકસભામાં જણાવ્યું હતું કે ‘મને ઉત્તર પ્રદેશમાં ૮૦ બેઠકો મળે તો પણ હું EVM (ઇલેક્ટ્રિક વોટિંગ મશીન) પર ભરોસો નહીં કરું. મને ગઈ કાલે પણ EVM પર ભરોસો નહોતો અને આજે પણ નથી. મને ૮૦ સીટ મળી જાય તો પણ ભરોસો નહીં થાય. મેં ચૂંટણીપ્રચાર વખતે પણ કહ્યું હતું કે EVMથી જીતીને અમે EVMને હટાવવાનું કામ કરીશું. EVMનો મુદ્દો મર્યો નથી અને ખતમ પણ નહીં થાય. જ્યાં સુધી EVM નહીં હટે ત્યાં સુધી અમે આ વાત પર અડગ રહીશું.’

અમેરિકામાં પેપર-બૅલટથી ચૂંટણી થાય છે અને એવી પ્રથા ભારતમાં લાવવામાં આવવી જોઈએ એમ જણાવતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘વિશ્વના બીજા મોટા દેશોમાં પેપર-બૅલટથી ચૂંટણી થાય છે અને મતગણતરીમાં મહિનાઓ લાગે છે. શા માટે ભારતમાં ત્રણ કલાકમાં પરિણામ જોઈએ છે એ સમજાતું નથી. ટેક્નૉલૉજી સમસ્યા દૂર કરે છે, પણ જો એ સમસ્યાનું મૂળ બને તો એને દૂર કરવી જોઈએ. જ્યારે દુનિયાભરના નિષ્ણાતો EVMની સામે સવાલ ઉઠાવે છે ત્યારે શા માટે ભારતીય જનતા પાર્ટી EVMના ઉપયોગ માટે આગ્રહ કરે છે. શા માટે તેઓ આ વિશેની આશંકાઓ દૂર કરતા નથી.’

akhilesh yadav samajwadi party uttar pradesh national news