EPFO: 73.87 લાખ પીએફ ક્લેમમાંથી 24.93 લાખ રદ, આ છે કારણ

26 February, 2024 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર ત્રણ ઈપીએફ દાવાઓમાંથી એક દાવો રદ થઈ રહ્યો છે, ક્લેમ મળવામાં મોડું થવાને અને મોટી સંખ્યામાં દાવા રદ થવાની ઘણી ફરિયાદો સોશિયલ મીડિયા પર પણ મૂકાઈ રહી છે.

EPFO (ફાઈલ તસવીર)

દર ત્રણ ઈપીએફ દાવાઓમાંથી એક દાવો રદ થઈ રહ્યો છે, ક્લેમ મળવામાં મોડું થવાને અને મોટી સંખ્યામાં દાવા રદ થવાની ઘણી ફરિયાદો સોશિયલ મીડિયા પર પણ મૂકાઈ રહી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જોડાયેલા સભ્યોને પોતાના પીએફ ક્લેમને ઉકેલવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આંકડાઓ પ્રમાણે નાણાંકીય વર્ષ 2017-18માં ઇપીએફ અંતિમ દાવાઓના લગભગ 13 ટકા કેસ રદ થયા હતા, જે નાણાંકીય વર્ષ 2022-23માં વધીને લગભગ 34 ટકા થઈ ગયા છે. એટલે કે દર ત્રણ ઇપીએફ દાવાઓમાંથી એક દાવો રદ થઈ રહ્યો છે. ક્લેમ મળવામાં મોડું થવું અને મોટી સંખ્યામાં દાવો રદ થવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવી રહી છે.

નાણાંકીય વર્ષ 2022-23માં કુલ 73.87 લાખ પીએફ ક્લેમ આવ્યા હતા, જેમાંથી 24.93 લાખ એટલે કે 33.8 ટકા રદ થઈ ગયા. આ રીતે ત્રણમાંથી એક દાવો રદ થઈ ગયો. આ સમયમાં 46.66 લાખ દાવા ઉકેલવામાં આવ્યા અને સભ્યોને રકમ આપવામાં આવી. 18 લાખ દાવાઓ બાકી રહી ગયા.

આ આંકડા વર્ષ 2017-18 અને 2018-19માં રદ કરવામાં આવેલા દાવાઓથી ખૂબ જ વધારે છે. તે સમયે ક્રમશઃ 13 ટકા અને 18.2 ટકા દાવા ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2019-20માં દાવો ફગાવી દેવાનો દર વધીને 24.1 ટકા પહોંચી ગયા છે. વર્ષ 2020-21માં આ દર 30.8 ટકા અને 2021-22માં 35.2 ટકા વધી ગયો.

ઑનલાઈન દાવાઓમાં સમસ્યા સૌથી વધારે
ઈપીએફઓ અધિકારીઓનું કહેવું છે કે પીએફ દાવા ઝડપથી અસ્વીકાર હોવાનું મોટું કારણ ઑનલાઈન પ્રક્રિયા છે. પહેલા દસ્તાવેજોની ચકાસણી નિયોક્તા અથવા કંપની કરતી હતી, ત્યાર બાદ દસ્તાવેજ ઇપીએફઓ પાસે આવતા હતા. પણ, હવે પીએફ ખાતા આધાર નંબર સાથે ઑનલાઈન જોડી દેવામાં આવ્યા છે. એવામાં 99 ટકા દાવા ઑનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઑનલાઈન અરજીઓમાં અરજીકર્તાઓ દ્વારા કેટલીક ભૂલ થઈ જાય છે અને તેમનું ક્લેમ રદ થઈ જાય છે.

શું કહે છે ઇપીએફઓ: 
EPFO મુજબ, જ્યારે PF સેટલમેન્ટ ઑફલાઇન કરવામાં આવતું હતું, ત્યારે સંસ્થાનું હેલ્પડેસ્ક આવા કેસોનું સમાધાન કરતું હતું, જેના કારણે PF ક્લેમ ઝડપથી નકારવામાં આવતો ન હતો. હવે પીએફની રકમ ઓનલાઈન ક્લેમ કરવામાં આવી રહી છે જેમાં ઘણી ખામીઓ છે. ક્યારેક પીએફ ખાતાધારકના નામના અક્ષરો મેળ ખાતા નથી, તો ક્યારેક આધાર કાર્ડમાં અલગ-અલગ માહિતી હોય છે. જેના કારણે પીએફ ક્લેમ સેટલ કરવામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે.

ક્લેમ સેટલ કરવામાં લાગે છે 20 દિવસ
EPFO અનુસાર, જો તમામ દસ્તાવેજો સાથે દાવો યોગ્ય રીતે ફાઇલ કરવામાં આવે છે, તો 20 દિવસની અંદર પીએફ ખાતાધારકને પૈસા આપવામાં આવે છે. EPFO પાસે 27.7 કરોડ ખાતા છે અને લગભગ 20 લાખ કરોડ રૂપિયાના ફંડનું સંચાલન કરે છે.

દાવો દાખલ કરતી વખતે આ સાવચેતી રાખો

1. ખોટો અથવા અપૂર્ણ KYC
જો તમારી KYC માહિતી અધૂરી છે અને માન્ય નથી, તો તમારો PF દાવો નકારવામાં આવી શકે છે. આને અવગણવા માટે, દાવો દાખલ કરતા પહેલા તમામ KYC સંબંધિત દસ્તાવેજો અપડેટ કરો.

2. UAN આધાર સાથે લિંક નથી
જો આધાર અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) લિંક ન હોય તો પીએફનો દાવો નકારી કાઢવામાં આવશે. આવી સ્થિતિમાં પહેલા આધારને UAN સાથે લિંક કરો.

3. માહિતીમાં અંતર
સબમિટ કરાયેલા દાવાની વિગતો અને EPFO ​​રેકોર્ડ્સ વચ્ચેની વિસંગતતા પણ દાવો અસ્વીકાર તરફ દોરી શકે છે. તેથી, ખાતરી કરો કે તમારું નામ, કંપનીમાં જોડાવાની અને છોડવાની તારીખ, બેંક ખાતાની વિગતો જરૂરી છે.

4. ખોટો બેંક એકાઉન્ટ નંબર
ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ આપવાથી પણ દાવો નકારવામાં આવશે. રકમ મેળવવા માટે, ખાતું સક્રિય હોવું જોઈએ અને પીએફ ખાતા સાથે લિંક થયેલું હોવું જોઈએ.

5. ખોટું ફોર્મ ભરવું
ઘણી વખત અરજદારો ખોટા ફોર્મ ભરે છે અને પછી પણ તેમને રકમ મળતી નથી. નોંધ કરો કે ફોર્મ 19 અંતિમ સમાધાન માટે છે, ફોર્મ 10C પેન્શન ઉપાડ માટે છે અને ફોર્મ 31 આંશિક ઉપાડ માટે છે.

national news finance news business news Aadhaar