09 February, 2025 07:05 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
બ્રિટિશ સિંગર એડ શીરન હાલમાં ભારતની મુલાકાતે છે. તે વિવિધ સ્થળોની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે. એડ શીરનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે હાલમાં તેનો બૅંગલુરુનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખરેખર ખૂબ જ મસ્ત છે અને લોકો તેના પર પોતાની જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
થયું એમ કે રવિવારે અહીંના પ્રખ્યાત ચર્ચ સ્ટ્રીટ પર અચાનક બ્રિટિશ ગાયક-ગીતકાર એડ શીરને ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેને બૅંગલુરુ પોલીસે અટકાવ્યો હતો, કારણ કે એડ શીર પાસે રસ્તા પર કોન્સર્ટ કરવા માટે જરૂરી પરવાનગીઓ નહોતી. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ પણ એડ શીરનને ઓળખી શક્યા નહીં. દુનિયાના સૌથી પ્રખ્યાત સિંગરમાંના એકની ઓળખથી અજાણ આ પોલીસ અધિકારીઓએ એડ શીરનના ઍક્ટ વચ્ચે દરમિયાનગીરી કરી અને તેને ત્યાંથી જવા કહ્યું હતું.
અધિકારીઓએ એડ શીરનને આ ચર્ચથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે, ગાયકે તેને જોવા આવેલી ભીડને સંબોધતા કહ્યું, “અમારી પાસે અહીં રહેવાની પરવાનગી છે, તેમ છતાં આ પોલીસકર્મીઓ તેને બંધ કરી રહ્યા છે. પછી મળીશું!” કબ્બન પાર્ક પોલીસ અને ચર્ચ સ્ટ્રીટ એસોસિએશન બન્નેએ એડ શીરનને પરવાનગી આપવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો. ચર્ચ સ્ટ્રીટ અને રેસ્ટ હાઉસ એસોસિએશનના પ્રમુખ સંજય કુમારે પોલીસની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું, "વિદેશમાં પણ, કાર્યક્રમ માટે પરવાનગીની જરૂર પડે છે. એડ શીરનની ટીમ અમારો સંપર્ક કરી શકી હોત, અને અમે બૅગલુરુમાં આનંદ માણવા માટે રેસ્ટોરન્ટ અથવા ખુલ્લા સ્થળે ખાનગી જગ્યાની વ્યવસ્થા કરી હોત."
કબ્બન પાર્ક પોલીસે વધુમાં સ્પષ્ટતા કરી કે ચર્ચ સ્ટ્રીટ પર કાર્યક્રમ કરવાની પરવાનગી માટે કોઈએ તેમનો સંપર્ક કર્યો નથી. "કોઈ પણ ફૂટપાથ કે રસ્તા પર પ્રદર્શન કરી શકતું નથી કારણ કે તેનાથી બીજાઓને અસુવિધા થાય છે. અમારી ટીમે તેમને રોકવા કહ્યું, અને જ્યારે તેઓએ પાલન ન કર્યું, ત્યારે સ્થળ પરના અધિકારીઓએ માઈક કનેક્શન અનપ્લગ કર્યું," તેમણે સમજાવ્યું. એડ શીરનના મેનેજમેન્ટનો આ ટિપ્પણી માટે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. શીરન તેના ભારત પ્રવાસના ભાગ રૂપે બૅંગલુરુમાં હતો.
મેથેમેટિક્સ ટૂર એ એડ શીરન દ્વારા ચાલી રહેલ ચોથો કોન્સર્ટ ટૂર છે. તેમાં 131 શોનો સમાવેશ થાય છે, આ ટૂર 23 એપ્રિલ 2022 ના રોજ ડબલિન, આયર્લેન્ડમાં શરૂ થઈ હતી. હવે પ્રવાસનો ભારતનો તબક્કો 30 જાન્યુઆરીએ પુણેમાં શરૂ થયો હતો અને હવે તેમાં આગળ હૈદરાબાદ, ચેન્નાઈ, બૅંગલુરુ, શિલોંગ અને દિલ્હીમાં પણ તેનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે.