30 December, 2022 01:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મતદાનની ટકાવારી વધે એ દિશામાં ચૂંટણી પંચ દ્વારા એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું કે દેશમાં પોતાના ઘર અને વતનથી દૂર રહેતા મતદાતાઓ માટે આરવીએમ એટલે કે રિમોટ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનનું એક પ્રોટોટાઇપ એણે તૈયાર કર્યું છે. ચૂંટણી પંચે ૧૬ જાન્યુઆરીએ એના ડેમોન્સ્ટ્રેશન માટે પૉલિટિકલ પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે.
મતદાનની સાથે સંકળાયેલા તમામ પક્ષકારો સાથેની વ્યાપક ચર્ચાવિચારણા બાદ જો એનો અમલ કરવામાં આવશે તો દેશમાં ઘર-વતનથી દૂર રહેતા મતદાતાઓએ મત આપવા માટે તેમના વતનમાં જવાની જરૂર નહીં પડે.
એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોટોટાઇપના ડેમોન્સ્ટ્રેશન અને વિવિધ પક્ષકારો પાસેથી ફીડબૅકના આધારે ચૂંટણી પંચ રિમોટ વોટિંગના અમલની પ્રક્રિયામાં આગળ વધશે.
ચૂંટણી પંચે રિમોટ વોટિંગ પર એક કન્સેપ્ટ નૉટ પણ તૈયાર કરી છે અને એના અમલમાં લીગલ, વહીવટીય અને ટેક્નિકલ પડકારોનો સામનો કરવા માટે પૉલિટિકલ પાર્ટીઓના અભિપ્રાય માગ્યા છે.
આ રિમોટ ઈવીએમને જાહેર ક્ષેત્રની એક કંપની દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ એક જ રિમોટ મતદાન કેન્દ્ર પરથી ૭૨ અલગ-અલગ બેઠકો માટે મતદાન કરાવી શકાશે.
આરવીએમ એ અત્યારના ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન પર આધારિત છે અને એને ઇન્ટરનેટની સાથે કનેક્ટ નહીં કરવામાં આવે.
ચૂંટણી પંચે તમામ આઠ નૅશનલ અને ૫૭ રાજ્ય સ્તરની પૉલિટિકલ પાર્ટીઓને પ્રોટોટાઇપ આરવીએમ કેવી રીતે કામ કરે છે એના ડેમોન્સ્ટ્રેશન માટે ૧૬ જાન્યુઆરીએ બોલાવી છે. ચૂંટણી પંચની ટેક્નિકલ એક્સપર્ટ કમિટીના સભ્યો પણ આ મીટિંગમાં હાજર રહેશે.
"યુવાનો તેમ જ શહેરોના લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા પર ફોકસ કર્યા બાદ ચૂંટણીલક્ષી લોકશાહીમાં લોકોની ભાગીદારીને મજબૂત કરવા માટે રિમોટ વોટિંગ એ ક્રાન્તિકારી પગલું રહેશે." - રાજીવ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર