24 May, 2026 10:37 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસની ભયાવહતાની તો આખી દુનિયા સાક્ષી છે. હવે ઈબોલા વાઇરસ (Ebola virus)નો ખતરો આખી દુનિયા પર મંડરાઈ રહ્યો છે. ઈબોલા વાઇરસની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એડવાયઝરી બહાર પાડી છે. ભારત સરકાર દ્વારા નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના દેશોમાં જરૂર ન હોય તો મુસાફરી ન જ કરવાની સલાહ આપી છે. ઈબોલાને કારણે હાલમાં આ ત્રણ રાષ્ટ્રોને ગંભીર અસર થઈ હોવાથી ભારત સરકારે નાગરિકોને આ ત્રણ દેશોમાં તો મુસાફરી ન કરવાનું જણાવ્યું છે.
ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો તેમ જ અન્ય અસરગ્રસ્ત દેશોમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભલામણોને ધ્યાનમાં રાખતાં ભારત સરકાર તેના તમામ નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનમાં જરૂર વગરની મુસાફરી ટાળવા અનુરોધ કરે છે." તે ઉપરાંત સરકારે આ ત્રણ દેશોમાં રહેતા નાગરિકોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અને સ્થાનિક પ્રશાસન જાહેર કરવામાં આવલ એડવાયઝરીનું (Ebola virus) પાલન કરવાની પણ સલાહ આપી છે.
ઈબોલા વાઇરસ (Ebola virus)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અને આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા વૈશ્વિક કટોકટીની ચિંતા જાહેર કર્યા બાદ ભારત સરકારે પણ દેશના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ એડવાયઝરી આપી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉન્ગો અને યુગાન્ડામાં ઈબોલા રોગ ફાટી નીકળ્યો હોવાનો રિપોર્ટ સૌ પ્રથમ સામે આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૭મી મેના રોજ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ૨૦૦૫ હેઠળ આ પરિસ્થિતિને જાહેર આરોગ્ય ઇમર્જન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (પીએચઇઆઇસી) ઘોષિત કરી હતી.
ઈબોલા (Ebola virus) એ વાયરલ હેમરેજિક ફ્લૂ છે. જે બુંડીબુગ્યો વાયરસ સ્ટ્રેનના ચેપને કારણે ફેલાય છે. જએ એક ગંભીર રોગ માનવામાં આવે છે. આ રોગમાં મૃત્યુદર પણ વધારે છે એમ સરકારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. આ વાઇરસને ફેલાતો અટકાવવા માટેની હજી સુધી કોઈ વેક્સિનને મંજૂરી મળી નથી. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે અત્યારસુધી તો ભારતમાં ઈબોલા ફાટી નીકળવાનો કોઈ કેસ નોંધાયો નથી.
ઈબોલાની સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુંડીબુગ્યો વાઇરસના ફેલાવાને રોકવા માટે પણ ટેમ્પરરી એડવાયઝરી પણ જારી કરી છે. ૨૨મી મેના રોજ નવા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓએ મુખ્ય આંતરરાષ્ટ્રીય સરહદ ચોકીઓ પર આ કેસની બરાબર ચકાસણી કરવી. સરહદી સ્ક્રિનિંગ વધારવાની સાથે વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ બુંડીબુગ્યો વાઇરસના રજિસ્ટર થયેલા કેસો ધરાવતા તમામ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી પણ ન કરવા વિનંતી કરી હતી.