24 April, 2023 12:24 PM IST | Leh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચીનના સંરક્ષણપ્રધાન લિ શૅન્ગફુની ભારતની મુલાકાતના થોડા દિવસ પહેલાં બન્ને દેશોની આર્મીએ ગઈ કાલે પૂર્વીય લદાખમાં ઘર્ષણનાં બાકી રહેલાં સ્થળોએ મુદ્દાઓના સમાધાન માટે નવા તબક્કાની ઉચ્ચ સ્તરીય વાતચીત કરી હતી.
વાસ્તવિક અંકુશ રેખાની ચીનની બાજુ ચુશુલ-મોલદો બૉર્ડર મીટિંગ પોઇન્ટ પર ભારત અને ચીનની વચ્ચે ૧૮મા તબક્કાની મિલિટરી અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી. હજી સુધી એ સ્પષ્ટ નથી કે પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે કોઈ પ્રગતિ કરવામાં આવી છે કે નહીં. એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય પક્ષે પૂર્વીય લદાખમાં દેમચોક અને દેપસંગના બાકી રહેલાં ઘર્ષણનાં સ્થળોએ મુદ્દાઓના સમાધાન પર ભાર મૂક્યો છે. આ વાતચીતમાં ભારતીય પ્રતિનિધિમંડળનું લેહસ્થિત ૧૪ કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રેશિમ બાલી દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર છે કે ચીનના સંરક્ષણપ્રધાન લિ ૨૭ અને ૨૮ એપ્રિલે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સંરક્ષણ પ્રધાનના સ્તરની મીટિંગમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવવાના છે.