01 October, 2024 11:36 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
ભૂકંપને લીધે અમરાવતીમાં આવેલા મેળઘાટમાં પહાડ પરથી પથ્થર-માટી બસ ઉપર ધસી આવતાં નુકસાન થયું હતું.
મહારાષ્ટ્રના લાતુરના કિલ્લારીમાં ૧૯૯૩માં ૩૦ સપ્ટેમ્બરની વહેલી સવારે ઘાતક ભૂકંપ આવ્યો હતો, જેમાં ૯૭૪૮ લોકો હોમાઈ જવાની સાથે ૩૦ હજાર લોકોને ઈજા પહોંચી હતી અને ૧૦ લાખ લોકોને વિસ્થાપિત કરવા પડ્યા હતા. આ જીવલેણ ઘટનાને ગઈ કાલે ૩૧ વર્ષ થયાં હતાં ત્યારે જ મહારાષ્ટ્રના અકોલામાં ગઈ કાલે બપોરે ૧.૩૭ વાગ્યે ધરતી ધ્રૂજી ઊઠી હતી. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ૪.૨ નોંધાઈ હતી. જમીન ધ્રૂજવા લાગતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર અમરાવતી જિલ્લાના ચિખલદરા તાલુકાના અમઝરી અને ટેટુ ગામની વચ્ચે હોવાનું જણાઈ આવ્યું હતું. આંચકા સામાન્ય હતા એટલે જાનમાલને કોઈ નુકસાન નહોતું થયું. જોકે અમરાવતી જિલ્લામાં આવેલા મેળઘાટમાં જમીન બસની ઉપર ધસી આવી હતી. બસની પાછળના ભાગમાં મોટો પથ્થર ટકરાયો હતો હતો એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.