16 November, 2023 11:36 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent
ભૂકંપની પ્રતિકાત્મક તસવીર
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડોડામાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake In Doda) નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર આ ભૂકંપ રાત્રે 9:34 કલાકે આવ્યો હતો. ડોડામાં આવેલા ભૂકંપ વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.”
માત્ર એટલું સ્પષ્ટ રીતે જાણી શકાયું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ડોડા (Earthquake In Doda)માં હતું. આ સાથે જ વધુમાં તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ભૂકંપ (Earthquake In Doda) અક્ષાંશ 33.05 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 76.18 ડિગ્રી પૂર્વમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ X પર આ દસંદર્ભે પોસ્ટ પણ જારી કરી હતી. તેઓએ જારી કરેલી પોસ્ટની માહિતીમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે 3.9ની તીવ્રતાનો ભૂકંપ 16-11-2023 ના રોજ આવ્યો હતો. આશરે 09:34:19ની આસપાસ આવ્યો હતો.
ભૂકંપ (Earthquake In Doda)ની સાથે જ ડોડા જિલ્લામાં બીજી એક દુર્ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ડોડા જિલ્લાના ભદરવાહ પટ્ટામાં ગુરુવારે આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગમાં ઓછામાં ઓછી આઠ ઈમારતો બળીને ખાખ થઈ ગઈ હતી.
ભદરવાહના ચિન્નોટ વિસ્તારમાં સવારે 4.45 વાગ્યે લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ડોડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અબ્દુલ કયૂમે આ સંદર્ભે જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પાંચ ફાયર ફાઈટિંગ મશીનોને સેવામાં મોકલવામાં આવ્યા હતા. ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે.
અધિકારીએ પુષ્ટિ કરી કે આગમાં આઠ માળખાં બળીને ખાખ થઈ ગયા છે પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સંદર્ભે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગમાં જે બાંધકામોને નુકસાન થયું તેમાં રહેણાંક મકાનો, એક ગેસ્ટ હાઉસ અને ફૂડ જોઈન્ટનો સમાવેશ થાય છે."
ગઈકાલે એક માર્ગ અકસ્માતમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા
ભૂકંપ થયો એ પહેલાં પણ જમ્મુ કાશ્મીરમાં એક ભયાનક અકસ્માત (Road Accident) બન્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો જખમી થયા હતા. બુધવારે જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક પેસેન્જર બસ ચેનાબ નદીના ખાઈમાં પડી ગઈ હતી. બસ ખીણમાં પડી જતાં 39 લોકોના મોત થયા હતા. હવે આ જ ડોડામાં ફરી ભૂકંપે હાહાકાર મચાવ્યો છે.
જ્યારે બસ દુર્ઘટના થઈ ત્યારે પણ આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ડોડાના ભદરવાહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ઘણા ઘરોમાં આગ પણ લાગી હતી. જોકે, ફાયરના જવાનો ઘટનાસ્થળે આવી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.