રાષ્ટ્રપતિભવનનો દરબાર હૉલ બન્યો ગણતંત્ર મંડપ અને અશોક હૉલ બન્યો અશોક મંડપ

26 July, 2024 08:12 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અશોક શબ્દનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમ જ કળા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ છે

રાષ્ટ્રપતિભવન

રાષ્ટ્રપતિભવનમાં આવેલા દરબાર હૉલ અને અશોક હૉલનું નામ બદલીને ગણતંત્ર મંડપ અને અશોપ મંડપ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિભવનના સચિવાલય તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિભવનમાં ભારતીય સંસ્કૃતિ, એના સિદ્ધાંતો અને મૂલ્યોનું સતત સિંચન કરવામાં આવે છે અને આ જ દિશામાં આ એક પ્રયાસ છે.

દરબાર હૉલ એટલે કે ગણતંત્ર મંડપમાં નૅશનલ અવૉર્ડ આપવામાં આવે છે. બ્રિટિશરોના જમાનામાં દરબાર હૉલમાં આપણાં રાજા-રજવાડાંઓ અને બ્રિટિશરોની મીટિંગ થતી હતી. જોકે ભારત પ્રજાસત્તાક થયા બાદ એનું મહત્ત્વ ઓછું થઈ ગયું હોવાથી હવે એને ગણતંત્ર મંડપ નામ આપવામાં આવ્યું છે.

અશોક શબ્દનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમ જ કળા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ છે. અશોક હૉલનું નામ બદલીને અશોક મંડપ રાખવાથી ભાષામાં એકરૂપતા આવે છે અને અશોક શબ્દ સાથે સંકળાયેલાં મુખ્ય મૂલ્યોને જાળવીને અંગ્રેજીકરણનાં નિશાન દૂર કરી શકાય છે એવું રાષ્ટ્રપતિભવનના સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે.

national news india raj bhavan new delhi delhi news indian government