15 September, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાજ મહાલ
ઉત્તર પ્રદેશના આગરામાં છેલ્લા ત્રણ દિવસથી અને ખાસ કરીને ગુરુવારે થયેલા ભારે વરસાદને કારણે વિશ્વપ્રસિદ્ધ તાજમહલના મુખ્ય ગુંબજમાંથી પાણીનું લીકેજ થવા લાગ્યું છે. ૧૯૩૯ બાદ પહેલી વાર આગરામાં આટલો વરસાદ પડ્યો છે. તાજમહલ પરિસરમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે એક બગીચાને તો તળાવનું સ્વરૂપ મળી ગયું છે. જળમગ્ન તાજમહલનો વીસ સેકન્ડનો એક વિડિયો ગુરુવારે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.
તિરાડમાંથી લીકેજ
આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ના આગરા મંડળના અધિકારી રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે ‘અમને શુક્રવારે ખબર પડી કે તાજમહલના મુખ્ય ગુંબજમાંથી પાણી ટપકી રહ્યું છે એટલે અમે ડ્રોનથી સર્વેક્ષણ કર્યું હતું. એમાં મુખ્ય ગુંબજમાં પાતળી તિરાડમાંથી પાણી ટપકી રહેલું દેખાયું હતું. છતમાં અંદરની તરફ ભેજ છે અને પાણી ધીમે-ધીમે ટપકી રહ્યું છે. વરસાદ પૂરો થયા બાદ તપાસ કરાશે અને પછી રિપેરિંગ કરવામાં આવશે. લીકેજથી પાણી આવી રહ્યું છે, પણ એનાથી તાજમહલના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી.’
ઉચિત દેખભાળ જરૂરી
તાજમહલની દેખભાળના મુદ્દે સ્થાનિક ટૂર-ગાઇડ મોનિકા શર્માએ કહ્યું હતું કે આગરાનો તાજમહલ આખા દેશનું ગૌરવ છે અને હજારો લોકોને એનાથી રોજીરોટી મળે છે. એની યોગ્ય દેખભાળ કરવામાં આવવી જોઈએ. બીજા એક ગાઇડે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ‘શાહજહાં અને મુમતાઝની કબર સુધી પાણી પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે આગરા કિલ્લો, ફતેહપુર સીકરી, ઝુનઝુન કા કટોરા, રામબાગ અને મેહતાબ બાગ જેવાં ઐતિહાસિક સ્મારકોને પણ થોડું નુકસાન થયું છે.’