07 October, 2024 08:38 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
આ છે ભોપાલની ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી.
ગુજરાતની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે (ATS) મળેલી માહિતીના આધારે તપાસ ચલાવી દિલ્હીના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની મદદથી મધ્ય પ્રદેશના ભોપાલ પાસે ચાલી રહેલી એક ફૅક્ટરી પર શનિવારે રેઇડ પાડીને ૧,૮૧૮.૧૮ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડીને પાડ્યું હતું એટલું જ નહીં, આ કાર્યવાહી હેઠળ ડ્રગ્સ બનાવવાનો કાચો માલ અને મશીનરી પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સાથે જ ભોપાલમાં રહેતા ૫૭ વર્ષના અમિત પ્રકાશચંદ્ર ચતુર્વેદી અને મહારાષ્ટ્રના નાશિકના ૪૦ વર્ષના સન્યાલ બનેને ઝડપી લીધા છે. સન્યાલ બને રીઢો ગુનેગાર છે. આ પહેલાં તે મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧૭માં ડ્રગ્સની હેરફેર માટે પકડાયો હતો. એ કેસમાં તેને જેલ પણ થઈ હતી અને એ પાંચ વર્ષ જેલમાં રહીને આવ્યો છે.
ભોપાલની નજીક આવેલી બગરોદા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટટેની એ ચોક્કસ ફૅક્ટરી પર રેઇડ પાડવામાં આવી ત્યારે ત્યાં મેફેડ્રોન બની રહ્યું હતું. એ સર્ચ-ઑપરેશનમાં કુલ ૯૦૭ કિલો મેફેડ્રોન સૉલિડ અને લિક્વિડ ફૉર્મમાં મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ મેફેડ્રોનની કિંમત ૧૮૧૪.૧૮ કરોડ રૂપિયા થાય છે. એ ઉપરાંત મેફેડ્રોન બનાવવાનું ૫૦૦૦ કિલો રૉ મટીરિયલ, મશીનરી સહિત બધું જ સીઝ કરવામાં આવ્યું છે.