મમતા બૅનરજી, કૉન્ગ્રેસ અને સામ્યવાદી પક્ષ : આ વિવાદ ખરેખર સમજવા જેવો છે

07 February, 2024 09:32 AM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

મમતાનો આક્ષેપ છે કે બંગાળમાં રાહુલની યાત્રા વિશે અમને સાવ અંધારામાં રાખવામાં આવ્યાં હતાં. મને તો વહીવટી તંત્ર પાસેથી જ જાણ થઈ.

મમતા બનર્જી

મમતા બૅનરજીને માત્ર છંછેડાયેલી વાઘણ કહીને વાત પૂરી થઈ જતી નથી. મેથડ ઇન મેડનેસ પણ કોઈક વાર ઘણું સમજાવી દેતી હોય છે. મમતા બૅનરજી વિશે પણ કંઈક આવું છે. તેની કેટલીક વાતો ગંભીરતાથી વિચારવા જેવી છે. ઉદાહરણ તરીકે બીજી ફેબ્રુઆરીએ કલકત્તામાં તૃણમૂલ કૉન્ગ્રેસે યોજેલાં ધરણાંના સમાપન ભાષણમાં મમતા બૅનરજીના બે મુદ્દા નોંધવા જેવા હતા. ધરણાં તો કેન્દ્ર સરકાર પર્યાપ્ત ફન્ડ આપતું નથી એની સામેનાં હતાં, પણ મમતાનું ભાષણ ભારે સંકેત સાથેનું હતું.

પહેલી વાત તો એ કહી કે કૉન્ગ્રેસ આવું જ વર્તન કરતી રહેશે તો લોકસભામાં ૪૦ બેઠકો પણ મેળવી શકશે કે નહીં એની મને શંકા છે.કારણ? કૉન્ગ્રેસ ‘સુરસુરી’થી વધુ કશું કરતી જ નથી (આપણી ભાષામાં સુરસુરિયું). એનામાં સાહસ હોય તો જાય ભાજપશાસિત રાજ્યોમાં કાઢે એની ભારત-જોડો યાત્રા. અહીં બંગાળમાં શું છે? તેમણે આક્ષેપ મૂક્યો હતો કે બંગાળમાં યાત્રા કાઢતાં પહેલા અમને પૂછવું જોઈતું હતું. અમારો સાથ લેવો જોઈતો હતો, કારણ કે અમે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય છીએ. મેં તો રાહુલને કહ્યું જ છે કે ભલે ૩૦૦ બેઠકો કૉન્ગ્રેસ લડે, બાકીની ઇન્ડિયા ગઠબંધનના પક્ષ માટે રાખે, પણ તેઓ કશું સાંભળતા જ નથી. હવે તેઓ યાત્રા કાઢીને અમારા પ્રદેશમાં મુસ્લિમોમાં ભ્રમ ફેલાવવા માગે છે. બીજેપી હિન્દુઓમાં આવું કરે છે. અમારા જેવી સેક્યુલર પાર્ટીએ શું કરવું? મને તો લાગે છે કે આ કૉન્ગ્રેસ દેશભરમાંથી ૪૦ બેઠકો મેળવે તોયે ઘણું!

અમે બંગાળમાં એને માટે બે બેઠકોની ફાળવણી કરી હતી, આજે પણ એ ચાલુ છે. પણ ના, કૉન્ગ્રેસને મંજૂર નથી એટલે મેં કહ્યું કે તો પછી બંગાળની તમામ ૪૨ બેઠક લડો, અમને વાંધો નથી. એમ કરવાની પણ ના પાડે છે!

મમતાનો આક્ષેપ છે કે બંગાળમાં રાહુલની યાત્રા વિશે અમને સાવ અંધારામાં રાખવામાં આવ્યાં હતાં. મને તો વહીવટી તંત્ર પાસેથી જ જાણ થઈ. અરે ભાઈ, બંગાળ શા માટે? હિંમત હોય તો જાઓને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં, કાઢોને યાત્રા? જાઓ બનારસ? ત્યાં બીજેપીને હરાવોને!

મમતાએ આ યાત્રાને ‘ફોટો શૂટ્સ’ ગણાવતાં કહ્યું કે જેમણે ક્યારેય ચાની દુકાન જોઈ નથી, એવાં બાળકો સાથે વાત કરી નથી તેમને બીડીનું બંડલ કેમ થાય છે એની ખબર નથી, વસંતની કોકિલ સાથે દોસ્તી કરતા રહ્યા છે (બીડી બનદેતી જાને ના. ઓરા હોય્‍તો બીડી બોડોલે ઓન્નો કિચુ ખેઇ. ઓરા બસન્તેર કોકિલ!).

કૉન્ગ્રેસના રાજવંશ ગાંધી-પરિવાર વંશનું તેમનું આ મૂલ્યાંકન પહેલી વારનું નથી. ઇન્દિરાજીના સમયે કૉન્ગ્રેસથી અલગ થયાં અને તૃણમૂલ પક્ષ સ્થાપ્યો ત્યારે પણ આવું જ વલણ હતું. એનું એક કારણ કૉન્ગ્રેસે સામ્યવાદીનો સંગાથ કર્યો એ પણ છે. એકલા હાથે તેમણે બંગાળમાં સામ્યવાદી ડાબેરી મોરચાને પરાસ્ત કર્યો એ ભારતીય રાજકારણની ઔતિહાસિક ઘટના છે. બંગાળમાં ડાબેરી મોરચો એવું માનતો થયો હતો કે જલદીથી આપણે કેન્દ્રમાં શાસન કરીશું. કૉન્ગ્રેસે અગાઉ વારંવાર સામ્યવાદી સમર્થન મેળવ્યું હતું. કુમાર મંગલમ જેવા ‘ફેલો ટ્રાવેલર્સ’ કૉન્ગ્રેસમાં ઘૂસી ગયા અને કેન્દ્રીય પ્રધાન પણ બન્યા. વડોદરાના આર. ગોખલે પણ ઇન્દિરા-પ્રધાનમંડળમાં હતા. કેરળમાં તો ડાબેરી મોરચાની સરકાર થતાં એવું સૂત્ર નીપજવવામાં આવ્યું કે ‘નેહરુ કે બાદ નામ્બુદિરીપાદ’ (ઈએમએસ નામ્બુદિરીપાદ કેરળ સરકારમાં મુખ્ય પ્રધાન હતા). કૉન્ગ્રેસમાં પણ રશિયા અને ચીનની તરફદારી કરતાં વલણ પહેલેથી હતાં. વી. કે. કૃષ્ણમેનનના એવા પૂર્વગ્રહને લીધે ચીની આક્રમણ ભારતની સરહદો પર થયું હતું. સ્વાધીનતા પૂર્વે સ્વાતંત્ર્ય જંગમાં, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રશિયા ‘મિત્ર દેશો’ની સાથે હતું એટલે ભારતના કમ્યુનિસ્ટોએ ગાંધી, સુભાષની નિંદા કરી હતી. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડતથી દૂર રહ્યા હતા. સુભાષને જપાનના કઠપૂતળી કહ્યા હતા. જવાહરલાલના એ વિધાન કે ‘જો સુભાષ બર્મા મોરચે ભારત પર તેની ફોજ લઈને આવશે તો તેની સામે લડવા જવામાં હું પહેલો હોઈશ’ની સાથે સામ્યવાદી વલણ બરાબરનું મેળ ખાતું હતું.

મમતાને ઇન્ડિયા અલાયન્સ પર સીપીએમ અને સીપીઆઇ હાવી થઈ જાય એ મંજૂર નથી. આ લાલ ભાઈઓની સામે તો બંગાળમાં ઝનૂનપૂર્વક લડીને ડાબેરી મોરચાને પરાસ્ત કર્યો હતો, શું ઇન્ડિયામાં હવે તેની સાથે હાથ મિલાવવો ? કૉન્ગ્રેસનું તો ચરિત્ર જ વામપંથી કે પછી તકવાદી છે એની સાથે રહીને આબરૂ ગુમાવવી?

મમતાને પહેલાં એવું લાગતું હતું કે આ ગઠબંધનમાં સામ્યવાદીને બદલે નીતીશ કુમાર, કેજરીવાલ, દક્ષિણના પક્ષો સાથે મળીને મજબૂત વિકલ્પ પૂરો પાડવો. કૉન્ગ્રેસે આવવું હોય તો ભલે, પણ ગાંધી પરિવારનું નેતૃત્વ નહીં રહે. આ વ્યૂહરચનાનો અંદાજ કૉન્ગ્રેસને આવી ગયો છે. આમેય ત્રણ મહિલા (સોનિયા, પ્રિયંકા અને મમતા)ઓ વચ્ચેની ગઠબંધનમાં વર્ચસ્વ ભોગવવાની માનસિકતા પણ હાજર છે. જોવાનું એ રહે છે કે કૉન્ગ્રેસ સામ્યવાદીઓના ખેલમાં ફસાયેલી રહેશે કે મમતાને માનવી લેશે?

national news mamata banerjee congress communist party of india