આજેય યાદ કરવા જેવા ઇંદુલાલ અને શ્યામજી

28 February, 2024 11:42 AM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

બન્ને ગુજરાતી યોદ્ધાઓ. એક કચ્છના ભાનુશાલી અને બીજા નડિયાદના નાગર.

ઇંદુલાલ યાજ્ઞિક, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા

બન્ને ગુજરાતી યોદ્ધાઓ. એક કચ્છના ભાનુશાલી અને બીજા નડિયાદના નાગર. રાજનીતિથી સાહિત્ય સુધીની તેમની જીવનસફર ભલે લગભગ ભુલાઈ ગઈ હોય, પણ આજે જો નવી યુવા પેઢી પાઠ્યપુસ્તકો અને મોબાઇલમાંથી અચાનક બહાર નીકળીને પૂછે કે ઇંદુલાલ યાજ્ઞિક કોણ હતા? તો તેને જવાબ તો આપવો જ પડે એવી મોટા ગજાની વિશેષતા તેઓ ધરાવતા હતા. માત્ર એટલું જ કહો કે મહિનાઓ સુધી અખબારોના સંવાદદાતાઓ તેમની ઑબિચ્યુઅરી-જીવન પરિચય રોજ તૈયાર કરતા, ડૉક્ટરો પણ ‘ચાચા’ હવે તો શ્વાસ છોડશે એવું માનીને ચાલતા, પણ આ ઇંદુલાલે જિંદગીમાં ગાંધીજી, સરદાર અને મોરારજીભાઈની સામે પણ ક્યારેય ઝૂક્યા નહીં એવું મોતની સામે પણ કર્યું! આ ઘટના તેમના સંઘર્ષનો અંદાજ આપે છે.

પણ, વાત ત્યાં સમાપ્ત થતી નથી. ઇંદુલાલ આખી જિંદગી યોદ્ધા બનીને જીવ્યા. વકીલાતનો અભ્યાસ કરીને રાષ્ટ્રીય રાજકારણમાં ઝુકાવ્યું. ૧૯૩૫થી ૧૯૩૯ કૉન્ગ્રેસમાં રહ્યા. ૧૯૧૫માં તેમનું સામયિક હતું ‘નવજીવન’ અને ‘સત્ય’. પછી ગાંધીજીને સોંપ્યું ત્યાં એ ‘નવજીવન’ તરીકે ખ્યાત બન્યું, પણ ઇંદુલાલ એમાં નહોતા. દુનિયાભરમાં ઘૂમતા રહ્યા. વિદ્યાપીઠમાં અને રચનાત્મક સેવા માટે પંચમહાલથી દાહોદ સુધી કામ કરતા રહ્યા. ગુજરાતમાં પહેલી રાજકીય કૉન્ગ્રસનું સંમેલન ગોધરામાં યોજાયું એના આયોજકોમાંના એક ઇંદુલાલ હતા. કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સામયિકમાં રહ્યા, તો રણછોડલાલ લોટવાળા જેવા અડીખમ સામ્યવાદીના અખબાર ‘હિન્દુસ્તાન પત્રો’ના સંવાદદાતા રહ્યા. ડાબેરી વિચારોનું આકર્ષણ ખરું, પણ કંઠી બાંધી નહીં. ગોળમેજી પરિષદ અને એ પછી ઇંગ્લૅન્ડની સફર કરી ત્યારે ખિસ્સામાં કાણો પૈસો નહોતો. રણછોડલાલ તેમને મદદ કરતા અને ઇંદુલાલ રાજકીય અહેવાલો તેના છાપા માટે લખી મોકલતા.

આજે જે બીજા ગુજરાતીની વાત કરવી છે એ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત ઇંદુલાલે લખ્યું હતું એ ભારતમાં આ ક્રાન્તિકાર વિશેનું સર્વપ્રથમ હતું, પણ એના લેખન અને પ્રકાશનની વિગતો ભારે રસપ્રદ છે. લંડનમાં ઇંદુલાલ ગયા ત્યારે તેમણે ઇન્ડિયા હાઉસ અને વીર સાવરકર તેમ જ મદનલાલ ઢીંગરાની પ્રચંડ વીરકથા સાંભળી. પંડિત શ્યામજી વિશે અનેક અંગ્રેજ વિદ્વાનોએ પરિચય આપ્યો. કેટલાકે તેમના ‘ઇન્ડિયન સોશ્યલૉજિસ્ટ’ અખબારની નકલો આપી. અરે, આ શ્યામજી પોતાની કલમથી આયરલૅન્ડ, ફ્રાન્સ, જપાન, ઇજિપ્ત, ઇંગ્લૅન્ડ સુધી પહોંચ્યા હતા. આખું બ્રિટિશ ગુપ્તચર તંત્ર તેમની પાછળ હતું. ઇંગ્લૅન્ડનાં અખબારો તેમના વિશે અહેવાલો છાપતાં કે આ તો ઇંગ્લૅન્ડનો કટ્ટર દુશ્મન છે, તેના ઇન્ડિયા હાઉસમાં બ્રિટિશ રાજ્યની સામે હથિયાર ઉઠાવવાની પ્રવૃત્તિમાં યુવાનોને પ્રેરિત કરે છે. કરઝન વાયલીનો જાહેરમાં ગોળી મારીને ખાતમો કરનાર મદનલાલ આ ઇન્ડિયા હાઉસમાં રહેતો હતો. અહીં સાવરકરે ૧૮૫૭નો ક્રાન્તિ દિવસ ઊજવ્યો અને પુસ્તક લખ્યું, જે પ્રકાશિત થાય એ પહેલાં સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇન્ડિયા હાઉસમાં મૅડમ કામા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ, જે. એમ. પરીખ, ચંપક રમણ પિલ્લઈ જેવા ક્રાન્તિકારો હોમરુલ આંદોલન ચલાવતાં હતાં.

 આ પ્રચારમાં ક્યાંય અતિશયોક્તિ નહોતી એટલે બધાંએ ભોગવવાનું આવ્યું. ઢીંગરા ફાંસીએ ચડ્યા, સાવરકરને પકડી લેવાયા અને ભારતમાં લઈ જઈને બે જન્મટીપની સજા કરીને આંદામાનની કાળકોટડીમાં ધકેલી દેવાયા. લાલા હરદયાલે ઇંગ્લૅન્ડ છોડીને કૅનેડા જઈને ગદર પાર્ટી સ્થાપી, વીરેન્દ્રનાથને બર્લિન કમિટી પછી રશિયા જવાનું સૂઝ્‍‍યું અને ત્યાં સાઇબીરિયા જેલમાં ગોળી મારીને તેમને ખતમ કરવામાં આવ્યા.

 શ્યામજી પહેલેથી ચેતી જઈને પૅરિસ પહોંચ્યા. વિશ્વયુદ્ધના સકંજામાં તેમને ફ્રાન્સ ઇંગ્લૅન્ડને સોંપી દે એવા પૂરા પ્રયત્ન હતા. એમ થયું હોત તો તેમના હાલ પણ સાવરકર જેવા થયા હોત. એટલે પૅરિસથી તેઓ જીનિવા ગયા. આ મુક્ત દેશે તેમને આજીવન સાચવ્યા. ૧૯૩૦ની ૩૧ માર્ચે તેમનું અવસાન થયું ત્યાં સુધી વિચારો અને શબ્દોથી, લેખન અને કર્મથી, વિવિધ ક્રાન્તિકારોને આર્થિક મદદથી, વિદ્યા સંસ્થાઓને અનુદાનથી તેઓ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે લડતા રહ્યા અને છેલ્લી ઘડીએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે મારાં અસ્થિ સાચવી રાખજો અને હિન્દુસ્તાન આઝાદ થાય એ દિવસે મારી માતૃભૂમિમાં પધરાવજો.

આ ઇચ્છાની પૂર્તિ ભારતની આઝાદી પછી, બીજાં ૧૭ વર્ષ પછી, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જીનિવાથી અસ્થિ લાવ્યા ત્યારે જ થઈ. કચ્છના માંડવીમાં શ્યામજીનો જન્મ થયો હતો. આજે ત્યાં વિશાળ સ્મારક ‘ક્રાન્તિ તીર્થ’ ઊભું છે. ૧૫ લાખ લોકો, પ્રવાસન વિભાગની યોજનાઓના અભાવ છતાં સ્વયંભૂ મુલાકાત લઈ આવ્યા છે. હવે જીએમડીસી એનું નવીનીકરણ કરી રહ્યું છે. ઇંદુલાલ એટલા માટે આ કહાણીનો એક ભાગ છે કે તેમણે છેક ૧૯૩૫માં લંડનમાં બેસીને શ્યામજીની જીવનકથા લખી. પૅરિસનિવાસી, શ્યામજી જેટલા જ મોટા ગજાના ક્રાન્તિકાર બૅરિસ્ટર સરદાર સિંહ રાણાએ મિત્રધર્મ બજાવ્યો, ઇન્દુલાલને તમામ સામગ્રી અને આર્થિક સહયોગ આપ્યો ત્યારે આ પુસ્તક લખાયું અને એ છેક ૧૯૫૦માં છપાયું. આઝાદીના આટલા વર્ષે હવે એ ગુજરાતીમાં પ્રકાશિત થવાનું છે અને એની સાથે બીજા બે ગ્રંથ શ્યામજીના ઇન્ડિયન સોશ્યલૉજિસ્ટના ૧૯૦૫થી ૧૯૨૨ સુધીના તમામ અંકો યથાતથ પ્રકાશિત થશે.

આપણે સ્મૃતિવિહીન થવાને બદલે આ બન્નેને યાદ કરીએને?

national news columnists