01 October, 2024 02:06 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના હાપુડમાં ડૉક્ટરની બેદરકારીનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં યુવતીના માથામાં ટાંકા લીધા બાદ ડૉક્ટર એમાંથી સર્જિકલ-નીડલ બહાર કાઢવાનું ભૂલી ગયો હતો. યુવતીને માથામાં જોરદાર દુખાવો ઊપડતાં તેને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે માથામાં સર્જિકલ-નીડલ હોવાનું જણાયું હતું અને તેને દૂર કરવામાં આવી હતી.
સિતારા નામની ૧૮ વર્ષની યુવતીને માથામાં ઈજા થતાં તે સરકારી હૉસ્પિટલમાં ગઈ હતી જ્યાં તેના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. ડૉક્ટર અને સ્ટાફે આ પ્રોસીજર કરીને પાટો બાંધીને તેને ઘરે મોકલી દીધી હતી. જોકે ઘરે આવ્યા બાદ તેને માથામાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સર્જિકલ-નીડલ માથામાં હોવાનું જાણવા મળતાં તેને દૂર કરવામાં આવી હતી.
યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સરકારી હૉસ્પિટલનો ડૉક્ટર શરાબના નશામાં હતો અને આવું બીજા કોઈની સાથે ન થાય એ માટે પગલાં લેવાની જરૂર છે. આ મુદ્દે હાપુડ જિલ્લાના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. સુનીલ ત્યાગીએ જણાવ્યું હતું કે બે મેમ્બરની ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે, તેમનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે. ડૉક્ટરે શરાબ પીધો હોવાના આરોપને તેમણે નકારી દીધો હતો.