12 January, 2025 12:01 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
વિશ્વનું સૌથી મોટું બાવન ફુટનું મહામૃત્યુંજય યંત્ર
પ્રયાગરાજમાં સોમવારથી શરૂ થનારા મહાકુંભમાં બાવન ફુટ લાંબા અને બાવન ફુટ પહોળા મહામૃત્યુંજય યંત્રની સ્થાપના કરવામાં આવશે. આ યંત્ર એના પ્રકારનું પ્રથમ છે અને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પરની પવિત્ર રેતીમાં એને સ્થાપિત કરવામાં આવશે.
મહામૃત્યુંજયના બાવન અક્ષરો, એનાં પરિમાણો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના આધારે એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ તમામ બાવન ફુટ છે. જાણીતા વિદ્ધાનો દ્વારા યંત્રને પવિત્ર કરવામાં આવશે અને એના દ્વારા સમગ્ર વિશ્વમાં સકારાત્મક ઊર્જા ફેલાય એવી અપેક્ષા છે.
આ મુદ્દે મહામૃત્યુંજય યંત્ર ઇન્સ્ટિટ્યૂટના વડા સ્વામી સહજાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ‘વિશ્વનું સૌથી મોટું મહામૃત્યુંજય યંત્ર ૨૦૨૫માં પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર સ્થાપિત થવાનું છે. આ અસાધારણ દૈવી ઘટના માનવતા માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. ભારત અને વિશ્વભરમાંથી સંતો અને આધ્યાત્મિક આગેવાનો આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા આવી રહ્યા છે. યંત્રનાં પરિમાણો હિન્દુ ધર્મની બાવન સિદ્ધ પીઠ (પવિત્ર સ્થળો)નું પ્રતીક છે.’