29 November, 2023 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ઑનલાઇન પેમેન્ટ ફ્રૉડના સતત વધતા કેસને કારણે કેન્દ્ર સરકાર ડિજિટલ પેમેન્ટ પ્રોસેસમાં થોડા ચેન્જિસ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર બે લોકોની વચ્ચે પહેલી વખત થનારા ટ્રાન્ઝૅક્શન માટે થતા મિનિમમ ટાઇમને વધારવા વિચાર કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે બે યુઝર્સની વચ્ચે ૨૦૦૦ રૂપિયાથી વધારાના તમામ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝૅક્શન માટે ટાઇમ લિમિટ ચાર કલાક સેટ કરવામાં આવી શકે છે.
જોકે નવી પ્રક્રિયાને લઈને આશા વ્યક્ત કરાઈ છે કે ડિજિટલ પેમેન્ટ્સની પ્રોસેસ અસુવિધાજનક થઈ શકે છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઇબર સિક્યૉરિટીની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં એ જરૂરી છે. જો આ પ્લાન ફાઇનલ થઈ જાય તો આઇએમપીએસ (ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ), આરટીજીએસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) અને યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ)થી થનારા ડિજિટલ પેમેન્ટ્સને કવર કરવામાં આવશે.
ડિજિટલ ફ્રૉડને રોકવા માટેના આ પ્લાનમાં અકાઉન્ટ બનવાથી ન ફક્ત પહેલાં ટ્રાન્ઝૅક્શનમાં લિમિટ અને વિલંબ થશે, પરંતુ બે એવા યુઝર્સની વચ્ચે પહેલી વખત ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ થતી હોય અને અમાઉન્ટ ૨૦૦૦ રૂપિયાથી વધારે હોય તો ચાર કલાક ડિલે પણ થશે, પછી જૂની ઇન્ડિપેન્ડન્ટ ટ્રાન્ઝૅક્શન હિસ્ટરી ગમે એ રહી હોય.જો કોઈ યુઝર નવું યુપીઆઇ અકાઉન્ટ ક્રીએટ કરે છે તો એ પહેલાં ૨૪ કલાકમાં મૅક્સિમમ ૫૦૦૦ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન કરી શકે છે. એ જ રીતે એનઈએફટીમાં બેનિફિશ્યરી ઍડ્ કર્યા બાદ પહેલાં ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે, પરંતુ નવા પ્લાન મુજબ જો કોઈ યુઝર એવા કોઈ યુઝરને ૨૦૦૦ રૂપિયા કે એથી વધુ અમાઉન્ટ મોકલે છે કે જેની સાથે પહેલાં ક્યારેય ટ્રાન્ઝૅક્શન ન કર્યું હોય તો ચાર કલાકની ટાઇમ લિમિટ લાગુ થશે.
૭૦ લાખ મોબાઇલ-નંબર બંધ કરી દેવાયા
ડિજિટલ ફ્રૉડ રોકવા માટે કેન્દ્ર સરકારે શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન્સને કારણે ૭૦ લાખ મોબાઇલ-નંબર બંધ કરી દીધા છે. ફાઇનૅન્શિયલ સર્વિસિસના સેક્રેટરી વિવેક જોશીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. ફાઇનૅન્શિયલ સાઇબર સિક્યૉરિટી અને વધતા ડિજિટલ પેમેન્ટ ફ્રૉડ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટેની એક મીટિંગમાંથી બહાર આવ્યા બાદ જોશીએ કહ્યું હતું કે બૅન્કોને સિસ્ટમ મજબૂત કરવા માટે જણાવવામાં આવ્યું છે. આવી મીટિંગ થતી રહેશે અને આગામી મીટિંગ જાન્યુઆરીમાં થશે.