17 April, 2023 11:19 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં ગઈ કાલે અતીક અહમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફના મૃતદેહોને રાખવામાં આવ્યા એ શબઘરની બહાર પોલીસના જવાનો. તસવીર પી.ટી.આઇ.
ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હત્યા બાદ સમગ્ર દેશમાં એની ખૂબ ચર્ચા થઈ રહી છે. પોલીસે તરત જ આ હત્યારાઓને પકડી પાડ્યા અને તેમના બૅકગ્રાઉન્ડ અને અપરાધિક ભૂતકાળની તપાસ શરૂ કરી દીધી હતી. આ આરોપીઓએ પૂછપરછ દરમ્યાન પોલીસને જણાવ્યું હતું કે તેઓ કુખ્યાત ક્રિમિનલ્સ બનવા ઇચ્છતા હતા, જેના કારણે જ તેમણે અતીકની હત્યા કરી હતી. જોકે પોલીસને તેમની આ કબૂલાત પર વિશ્વાસ નથી.
અતીક અહમદ અને તેનો ભાઈ ૧૦ વાગ્યાને ૩૫ મિનિટે પોલીસની જીપમાંથી ઊતર્યા, એની વીસ સેકન્ડ પછી તેઓ પત્રકારોને જવાબ આપી રહ્યા હતા અને એના પછીની ૨૦ સેકન્ડમાં ગોળીબારમાં તેમના જીવનનો અંત આવી ગયો હતો. આમ ૪૦ સેકન્ડ્સમાં જ યુપીમાં ૪૦ વર્ષના માફિયારાજનો અંત આવી ગયો હતો.
ત્રણ હુમલાખોરોની લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્ય તરીકે ઓળખ કરવામાં આવી છે. તેઓ પત્રકાર બનીને આવ્યા હતા. અહમદ અને તેનો ભાઈ અશરફ પ્રયાગરાજમાં રિપોર્ટર્સની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ હુમલાખોરોએ પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી તેમને ગોળી મારી હતી. આ ત્રણેયનો ક્રિમિનલ રેકૉર્ડ્સ છે. તેમનો પરિવાર કહે છે કે તેમની સાથે તેમનો કોઈ જ નાતો નથી. પ્રયાગરાજમાં સ્થાનિક કોર્ટમાં અરુણ, સની અને લવલેશને રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
લવલેશ તિવારી આ પહેલાં પણ જેલમાં જઈ ચૂક્યો છે. તેના ફાધરે મીડિયાને જણાવ્યું હતું કે તેમના પરિવારને તેની સાથે કોઈ જ નિસબત નથી. લવલેશ ક્યારેક તેના ઘરે જતો હતો અને પાંચથી છ દિવસ પહેલાં પણ બાંદામાં હતો.
લવલેશના પિતા યજ્ઞ તિવારીએ કહ્યું હતું કે ‘તે મારો દીકરો છે. અમે ટીવી પર આ ઘટના જોઈ હતી. લવલેશના કામની અમને જાણકારી નથી કે ન તો તેની સાથે અમને કોઈ નિસબત છે. તે અમને કંઈ પણ કહેતો નહોતો. તે પાંચથી છ દિવસ પહેલાં અહીં આવ્યો હતો. અમે વર્ષોથી તેની સાથે બોલવાનું બંધ કર્યું છે. તેની વિરુદ્ધ ઑલરેડી એક કેસ છે. તે એ કેસમાં જેલમાં કેદ હતો. તે કોઈ કામ કરતો નહોતો. તે ડ્રગ ઍડિક્ટ છે.’
સનીની વિરુદ્ધ ૧૪ કેસ નોંધાયા છે અને તેને હિસ્ટ્રી શીટર જાહેર કરાયો ત્યારથી તે ભાગેડું છે. તેના ફાધરનું મૃત્યુ થયું હતું અને તેના પૂર્વજોની સંપત્તિમાંથી તેનો હિસ્સો વેચીને તે ઘર છોડીને જતો રહ્યો હતો. સની પાંચ વર્ષથી તેના પરિવાર, તેની માતા અને ભાઈને મળ્યો નહોતો. તેનો ભાઈ ટી સ્ટૉલ ચલાવે છે.
શૂટર સની સિંહના ભાઈ પિન્ટુ સિંહે કહ્યું હતું કે ‘સની ફરતો રહેતો હતો અને કંઈ પણ કામ નહોતો કરતો. અમે અલગ રહીએ છીએ અને તે કેવી રીતે ક્રિમિનલ બન્યો એની અમને ખબર નથી.’
ત્રીજા શૂટર અરુણે બાળપણમાં જ તેનું ઘર છોડી દીધું હતું અને ૨૦૧૦માં ટ્રેનમાં એક પોલીસમૅનના મર્ડરના કેસમાં તેનું નામ આવ્યું હતું. તે એક ફૅક્ટરીમાં કામ કરતો હતો.
ટર્કિશ કંપનીની પ્રતિબંધિત પિસ્ટલનો હત્યામાં ઉપયોગ
ટર્કીશ વેપન મૅન્યુફૅક્ચરિંગ કંપની તિસસની સેમી-ઑટોમૅટિક પિસ્ટલ ઝિગનાનો અતીક અને અશરફની હત્યામાં ઉપયોગ થયો હતો. ભારતમાં આ પિસ્ટલ પર બૅન છે. આ પિસ્ટલની કિંમત લગભગ છથી સાત લાખ રૂપિયા છે. લવલેશ તિવારીને છ મહિના પહેલાં જ જેલમાંથી છોડવામાં આવ્યો હતો. હમીરપુરમાં સનીની મોટી ગૅન્ગ અને ગૅન્ગસ્ટર્સની સાથે કનેક્શન્સ છે. હમીરપુર જેલમાં કેદ દરમ્યાન સની સિંહ સુંદર ભાટીનો ખાસ થઈ ગયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તરત જ સુંદર ભાટી માટે તે કામ કરવા લાગ્યો હતો. પોલીસને શંકા છે કે અતીક અને અશરફની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી પિસ્ટલ સનીને સુંદર ભાટી પાસેથી જ મળી છે.
હત્યારાઓ ૪૮ કલાકથી હોટેલમાં હતા
૧) હત્યારાઓ પ્રયાગરાજની હોટેલમાં ૪૮ કલાક સુધી રોકાયા હતા. પોલીસ અત્યારે હોટેલ્સની તપાસ કરી રહી છે કે જ્યાં તેઓ રોકાયા હતા.
૨) હત્યારાઓ મીડિયા-પર્સન્સ તરીકે આવ્યા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર ગૃહ મંત્રાલયે પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર તૈયાર કરવાનો ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે.
૩) આ ત્રણેય આરોપીઓને અલગ-અલગ રાખવામાં આવી રહ્યા છે અને સિનિયર પોલીસ ઑફિસર્સ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હત્યા માટે ઝીણવટપૂર્વકનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તેઓ જૂનો વિડિયો કૅમેરો લઈને ટીવી રિપોર્ટર્સ બનીને ગયા હતા. તેઓ અતીક અને અશરફની સાથે વાતચીત કરવા માટે રાહ જોઈ રહેલા અન્ય રિપોર્ટર્સની સાથે ભળી ગયા હતા. અતીક આવ્યો એના લગભગ અડધો કલાક પહેલાં બાઇક્સ પર તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અપરાધીઓને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ કાયદાકીય પ્રક્રિયા હેઠળ એ સજા થવી જોઈએ. કોઈ પણ રાજકીય હેતુ માટે કાયદા અને ન્યાયિક પ્રક્રિયાનો ભંગ કરવો કે એને નષ્ટ કરવી એ આપણી લોકશાહી માટે ભયજનક છે. - જયરામ રમેશ, કૉન્ગ્રેસના પ્રવક્તા