21 October, 2023 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોની તેમની મુલાકાત દરમ્યાનનો આ ફોટોગ્રાફ એક્સ પ્લૅટફૉર્મ પર રિલીઝ કર્યો હતો
વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)એ ગુજરાતના ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ આ જાહેરાતથી ‘અત્યંત ખુશી સાથે રોમાંચની લાગણી અનુભવી રહ્યા છે.’
વડા પ્રધાને ૨૦૦૯ અને ૨૦૧૫માં આ ગામની તેમની મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતા. તેમણે આ ગામની સાથે જોડાયેલી યાદો શૅર કરવા પણ લોકોને જણાવ્યું હતું જેથી અન્ય લોકો આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રેરાય.
આ પહેલાં ટૂરિઝમ મંત્રાલયે જાહેર કર્યું હતું કે ધોરડોને ડબ્લ્યુટીઓ દ્વારા ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. ડબ્લ્યુટીઓ ટકાઉ વિકાસ માટે ટૂરિઝમને પ્રમોટ કરવા માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સન્માન ટકાઉ અને જવાબદાર ટૂરિઝમ માટેના આ ગામના બીજા ગામો ફોલો કરી શકે એવા યોગદાનને રિફ્લેક્ટ કરે છે. ધોરડોમાં જી20ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન થયું હતું.
કચ્છમાં ધોરડોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને બિરદાવવામાં આવી રહ્યાં છે એ જોઈને હું અત્યંત ખુશી અને રોમાંચની લાગણી અનુભવી રહ્યો છું. આ સન્માન ન ફક્ત ઇન્ડિયન ટૂરિઝમની ક્ષમતા, પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું ડેડિકેશન પણ દર્શાવે છે. : નરેન્દ્ર મોદી, વડા પ્રધાન