માહોલ કરો યા મરો જેવો થઈ ગયો છે એમ કહીને બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ

25 August, 2024 06:50 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના છતરપુરથી ઓરછા સુધી કાઢશે હિન્દુ એકતા પદયાત્રા

બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મધ્ય પ્રદેશના છતરપુરમાં આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સમાં હિન્દુઓને અપીલ કરતાં કહ્યું હતું કે ‘દેશના તમામ હિન્દુઓએ તેમના નામ પહેલાં હિન્દુ લખવું જોઈએ. દરેક લોકો તેમના નામની આગળ જાતિ લખાવે છે. કોઈ બ્રાહ્મણ છે, કોઈ ઠાકુર છે, કોઈ વૈશ્ય છે અથવા શૂદ્ર છે; પણ જો આપણે આપણા નામની પહેલાં હિન્દુ લખીશું તો અન્ય દેશોથી આવતા લોકો આપણને હિન્દુ તરીકે જાણશે.’

ભારતમાં જાત-પાતનું સંકટ ઘણું વધી ગયું છે અને માહોલ કરો યા મરો જેવો થઈ ગયો છે એટલે ભારતને ભવ્ય બનાવવા માટે એમાંથી જાત-પાત ખતમ કરવી પડશે એમ જણાવતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘હું જાતે છતરપુરથી ઓરછા સુધી હિન્દુ એકતા પદયાત્રા કાઢીશ અને તમામ હિન્દુઓને આ મુદ્દે જોડવાનો પ્રયાસ કરીશ. અમે એ ઇચ્છીએ છીએ કે જ્યારે પણ કોઈ વિદેશી ભારતમાં આવે તો તે હિન્દુઓને મળે, નહીં કે કોઈ જાતિને મળે એટલે હિન્દુ નામ લખવું આવશ્યક છે.’

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ટૂંક સમયમાં આ હિન્દુ એકતા પદયાત્રા કાઢશે અને મોબાઇલના માધ્યમથી એમાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. હજારોની સંખ્યામાં લોકો એમાં સામેલ થશે.

madhya pradesh national news india hinduism dhirendra shastri bageshwar baba