21 April, 2023 01:27 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એર ઈન્ડિયા (Air India) ફરી એક વાર વિવાદમાં ફસાઈ ગઈ છે. એર ઈન્ડિયાના પાઇલટે કથિત રીતે એક મહિલા મિત્રને દુબઈ-દિલ્હીની ફ્લાઈટ દરમિયાન કોકપિટની ટૂર કરાવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ઘટનાની વિગતવાર તપાસનો આદેશ આપ્યો છે. પાઇલટે DGCA સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના ફેબ્રુઆરીમાં બની હતી.
૨૭ ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના પાયલટ પર DGCAએ કાર્યવાહી કરવાનું કહ્યું છે. પાઇલટે ૨૬ ફેબ્રુઆરીએ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ફ્લાઈટના એક ક્રૂ મેમ્બરે ફરિયાદ કરી છે કે, પાઈલટે તેની મહિલા મિત્રને કોકપીટમાં એન્ટ્રી આપી હતી અને બન્ને એક કલાકથી વધુ સમય સુધી કોકપીટમાં સાથે હતા. DGCAએ આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે અને એરલાઇન્સે તપાસ ચાલે છે ત્યાં સુધી પાઇલટને ડ્યુટી પરથી હટાવી દીધો છે. આ મામલે એર ઈન્ડિયા એરલાઈનના એક અધિકારીએ જણાવ્યું કે, એર ઈન્ડિયાએ તપાસ માટે એક કમિટી પણ બનાવી છે.
પાઇલટ પર કોકપિટને લિવિંગ રૂમ જેવો બનાવવાનો આરોપ છે. તેણે પહેલેથી જ કેબિન ક્રૂને તેની મહિલા મિત્રને આવકારવાની સૂચના આપી દીધી હતી. પાઇલટ પર એવો પણ આરોપ છે કે, તેણે બિઝનેસ ક્લાસમાં પોતાની મિત્રને ભોજન પીરસ્યું હતું.
આ પણ વાંચો – Air India: ફ્લાઈટના બાથરૂમમાં સિગરેટ પીધી, ખોલ્યો ઇમરજન્સી ગેટ, પછી થયું આમ...
ક્રૂ મેમ્બરની ફરિયાદ મુજબ, પાયલોટે કેબિન ક્રૂને પૂછ્યું હતું કે શું બિઝનેસ ક્લાસમાં કોઈ સીટો ખાલી છે. કારણ કે તેની મિત્ર ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહી છે. એટલે પાઇલટ ઇચ્છતો હતો કે તેની સીટ અપગ્રેડ કરવામાં આવે. ક્રૂ મેમ્બરે તેને જણાવ્યું કે, કોઈ સીટ ખાલી નથી. ત્યારબાદ પાઇલટે કોકપીટમાં જ આરામદાયક બેડ લગાવી દીધો હતો. આ સિવાય તેમણે ત્યાં નાસ્તા અને દારૂની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
DGCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘આ DGCAના સલામતી ધોરણોનું ઉલ્લંઘન છે. પાઇલટની આ હરકતો માત્ર સલામતીનો ભંગ જ ન હતી, પરંતુ તે પાગલપણાની સીમાઓને પાર કરનાર કૃત્ય હતું. જે ફ્લાઇટ અને તેના મુસાફરોના જીવનને જોખમમાં મૂકી શકે છે. પાઇલટને તેનું લાયસન્સ સસ્પેન્શન અથવા રદ કરવા સહિત શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.’
આ પણ વાંચો – ભારતના સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ફ્લાઇટમાં અપાયેલા નાસ્તાની કરી ઐતી તૈસી
જોકે, એર ઈન્ડિયાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.