જૂઠાણાથી ભક્તો દુખી છે ઇસ્કૉને મેનકા ગાંધીને ૧૦૦ કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલીને આમ જણાવ્યું

30 September, 2023 01:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇસ્કૉને મેનકા ગાંધીને ૧૦૦ કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલીને આમ જણાવ્યું

મેનકા ગાંધી

કલકત્તા (પી.ટી.આઇ.)ઃ ઇસ્કૉન વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા બદલ બીજેપીનાં સંસદસભ્ય મેનકા ગાંધી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઇસ્કૉને ગઈ કાલે જણાવ્યું હતું કે એની ગૌશાળાઓમાં ગાયોની સંભાળ બાબતે પ્રશ્નાર્થચિહ્‍ન મૂકવા બદલ એણે મેનકા ગાંધીને ૧૦૦ કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. મેનકા ગાંધીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે, જેમાં તેઓ ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિસનેસ)ની વિરુદ્ધ ચોંકાવનારો આરોપ મૂકતાં જોવા મળ્યાં હતાં. મેનકાએ કહ્યું હતું કે ‘ઇસ્કૉન એની તમામ ગાય કસાઈને વેચી રહ્યું છે. તેઓ જેટલું આ કરે છે, એવું બીજું કોઈ કરતું નથી.’
ઇસ્કૉન - કલકત્તાના વાઇસ પ્રેસિડન્ટ રાધારામ દાસે કહ્યું કે ‘મેનકા ગાંધીની કમેન્ટ બહુ કમનસીબ છે. તેમની આ ખોટી કમેન્ટથી દુનિયાભરમાં ફેલાયેલા ઇસ્કૉનના ભક્તોને આઘાત લાગ્યો છે. અમે તેમને નોટિસ મોકલી છે. આખરે કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યાં હતાં એવાં એક સંસદસભ્ય કોઈ પુરાવા વિના આટલા મોટા સમાજની વિરુદ્ધ આટલું મોટું ખોટું બોલી શકે છે?’
તેમણે વધુમાં કહ્યું કે ‘મેનકા ગાંધી કહે છે કે તેઓ અમારી અનંતપુર ગૌશાળામાં ગયાં હતાં, પરંતુ ત્યાંના ભક્તો એ વાતથી અજાણ છે. અમે તેમની સાથે વાત કરી હતી, પરંતુ તેમને યાદ જ નથી કે મેનકા ગાંધી ક્યારે ત્યાં ગયાં હતાં. પોતાના ઘરમાં બેસીને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું કે ઇસ્કૉન પોતાની ગાયો કસાઈઓને વેચી રહ્યું છે એ ખૂબ કમનસીબ છે. અમે તેમની વિરુદ્ધ કડકમાં કડક લીગલ ઍક્શન લઈશું.’

national news iskcon