યોગી આદિત્યનાથ જેવા બનવું પડશે

06 November, 2024 10:41 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

પોતાની જ સરકારનાં ગૃહપ્રધાન પર ભડક્યા આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ: ગૃહપ્રધાન કે. અનીતા પર તાક્યું નિશાન

ગઈ કાલે આંધ્ર પ્રદેશની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે સેલ્ફી લેતા પવન કલ્યાણ

આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટી  (TDP)ની ચંદ્રાબાબુ નાયડુ સરકારના નાયબ મુખ્ય પ્રધાન, જન સેના પાર્ટી (JSP)ના અધ્યક્ષ પવન કલ્યાણ તેમની જ સરકાર પર ભડકી ગયા છે. ઍક્ટરમાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ ગુના સામે ઝીરો ટૉલરન્સની નીતિ ચાહે છે અને એથી જ તેમણે રાજ્યનાં ગૃહપ્રધાન અનીતા પર અકાર્યક્ષમ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તેમને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જેવા બનવાની અને રાજ્યમાં વધી રહેલા ગુનાઓને રોકવા માટે સખત પગલાં ભરવાની સલાહ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો એમાં સુધારો નહીં થાય તો આ જવાબદારી મારે ઉઠાવવી પડશે.

તિરુપતિ અને કડપ્પામાં બળાત્કારની ઘટના અને એમાંય ત્રણ વર્ષની બાળકી પર જાતીય અત્યાચારની ઘટના બાદ રોષે ભરાયેલા પવન કલ્યાણે કહ્યું હતું કે ‘આંધ્ર પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિમાં ઉલ્લેખનીય કમી આવી છે. કાયદો અને વ્યવસ્થા કથળ્યાં છે. હું ગૃહપ્રધાન અનીતાને ચેતવણી આપું છું કે તમે ગૃહપ્રધાન છો; હું પંચાયતી રાજ, વન અને પર્યાવરણ ખાતાનો પ્રધાન છું; તમે તમારાં કર્તવ્યોનું પાલન બરાબર કરો, અન્યથા મારે ગૃહવિભાગ સંભાળવા મજબૂર થવું પડશે.’

યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપતાં પવન કલ્યાણે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જેમ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમ કામ કરવાની જરૂર છે. તમારે યોગી આદિત્યનાથ જેવાં બનવું પડશે. રાજકીય નેતા માત્ર મત માગવા માટે નથી, તમારી પણ જવાબદારીઓ છે. દરેક જણે વિચારવું પડશે. એવું નથી કે હું ગૃહવિભાગ માગી શકું નહીં કે લઈ શકું નહીં. જો હું એમ કરીશ તો આ લોકો માટે ચીજો ઘણી બદલાઈ જશે. આપણે યોગી આદિત્યનાથ જેવાં થવું પડશે, અન્યથા અપરાધી નહીં બદલાય. એટલે તમે જ નક્કી કરો કે તમે બદલાશો કે નહીં.’

પવન કલ્યાણને ભૂલો બતાવવાનો અધિકાર
ગૃહપ્રધાન વિશે આકરી ટીકા કર્યા બાદ આંધ્ર પ્રદેશ સરકારમાં મતભેદની અટકળો જણાતી હતી, પણ એક કૅબિનેટ મિનિસ્ટર પી. નારાયણે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન તરીકે પવન કલ્યાણને ભૂલ બતાવવાનો અને પ્રધાનોને યોગ્ય રાહ બતાવવાનો અધિકાર છે.

હિન્દુ આજે વૈશ્વિક લઘુમતીમાં છે : પવન કલ્યાણ
પવન કલ્યાણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘હિન્દુ આજે વૈશ્વિક લઘુમતીમાં છે અને તેમના પર સૌથી ઓછું ધ્યાન આપવામાં આવે છે. તેમનામાં એકતા ઓછી હોય છે અને તેમને આસાનીથી ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેમના વિરુદ્ધની નફરતની દરેક કાર્યવાહી, દુર્વ્યવહારની દરેક ઘટના એ તમામ લોકો માટે ઝટકા સમાન છે જે માનવતા અને શાંતિને મહત્ત્વ આપે છે. કૅનેડામાં હિન્દુ મંદિર અને હિન્દુઓ પર થયેલો હુમલો હૃદયમાં આઘાત પેદા કરનારો છે, પીડા અને ચિંતા ઊપજાવે છે. આમ છતાં વૈશ્વિક નેતાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠન અને તથાકથિત શાંતિપ્રિય બિનસરકારી સંગઠનોની ચુપ્પી તેમનું સમર્થન કરે છે.’

andhra pradesh Crime News n chandrababu naidu tirupati uttar pradesh yogi adityanath political news national news news