21 September, 2024 08:10 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈમાં ૧૯ વર્ષના જે. પવિત્રન નામના B.Com.ના સ્ટુડન્ટ અને ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતા ડિલિવરી બૉયે આપઘાત કરતાં ચકચાર મચી છે. આ સ્ટુડન્ટ તેના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે કામ કરતો હતો, પણ એક મહિલા કસ્ટમર સાથે ઝઘડો થયા બાદ તે હતાશામાં આવી ગયો હતો અને આ અંતિમ પગલું ભર્યું હતું.
આ કેસ સંદર્ભે પોલીસે આપેલી જાણકારી મુજબ ૧૧ સપ્ટેમ્બરે પવિત્રન એક મહિલાના ઘરે ગ્રોસરી ડિલિવર કરવા ગયો હતો. જોકે મહિલાનું ઍડ્રેસ શોધવામાં તેને વાર લાગી હતી એટલે મહિલા કસ્ટમરે મોડો આવવા માટે તેની સાથે ઝઘડો કર્યો હતો. બીજા દિવસે આ મહિલાએ કંપનીના ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પવિત્રન વિશે ફરિયાદ કરતાં કંપનીએ પણ પવિત્રનને ફટકાર આપી હતી. આથી ગુસ્સામાં આવેલા પવિત્રને મહિલાના ઘર પાસે જઈને તેની બારી પર પથ્થર ફેંક્યો હતો જેમાં કાચ તૂટી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પવિત્રનના વિરોધમાં પોલીસ-ફરિયાદ કરતાં તેને માતા-પિતા સાથે પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવું ન કરવાની તાકીદ આપીને અને તે સ્ટુડન્ટ હોવાથી છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બાદ તેને હતાશા થતાં આ પગલું ભર્યું હતું. તેણે સુસાઇડ-નોટમાં મહિલા સાથેના વિવાદનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.