દિલ્હીનું જળસંકટ ઘેરું બન્યું, રોષે ભરાયેલા લોકોએ દિલ્હી જલ બોર્ડની ઑફિસ પર ફેંક્યા માટલા

16 June, 2024 06:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન છે, તો રાજધાની દિલ્હીમાં પણ લોકો પાણીની સમસ્યા (Delhi Water Crisis)નો સામનો કરી રહ્યા છે. આ જળ સંકટથી હવે દિલ્હીવાસીઓનો ગુસ્સો વધુ વકર્યો છે

તસવીરો: પીટીઆઈ

દિલ્હીમાં પાણીની અછત (Delhi Water Crisis)ને લઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સેંકડો લોકોએ વિરોધ કર્યો અને દિલ્હી જલ બોર્ડની ઑફિસ પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા. દેખાવકારોએ પોટલા ફેંક્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન છે, તો રાજધાની દિલ્હીમાં પણ લોકો પાણીની સમસ્યા (Delhi Water Crisis)નો સામનો કરી રહ્યા છે. આ જળ સંકટથી હવે દિલ્હીવાસીઓનો ગુસ્સો વધુ વકર્યો છે. જળ સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને વિરોધ પ્રદર્શનની સાથે દિલ્હી જલ બોર્ડની ઓફિસમાં પણ તોડફોડ કરી છે. વિરોધ કરી રહેલા લોકોએ જલ બોર્ડ ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો ખાલી માટલાઓ સાથે અહીં પહોંચ્યા અને ઓફિસની બારીનો કાચ તોડી નાખ્યો.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે દિલ્હી જલ બોર્ડની ઑફિસમાં તૂટેલા બારીના કાચ અને તૂટેલા માટીના વાસણો દેખાય છે. પાણીની તંગી (Delhi Water Crisis) અને આ તોડફોડ બાદ રાજકીય સંઘર્ષ તેજ બન્યો છે. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી આમને-સામને આવી ગયા છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપના કાર્યકરો પર દિલ્હી જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે.

ટ્વિટર પર આ સંદર્ભમાં એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, “જુઓ ભાજપના નેતાઓ પટકા પહેરે છે અને કાર્યકર્તાઓ બીજેપી નેતા જિંદાબાદના નારા લગાવી રહ્યા છે, દિલ્હી જલ બોર્ડના કાર્યાલયમાં સરકારી સંપત્તિનો નાશ કરી રહ્યા છે. વિવિધ સ્થળોએ પાણીની પાઇપલાઇન કોણ તોડી રહ્યું છે? કોનું કાવતરું છે?” બીજી તરફ ભાજપના નેતા રમેશ બિધુરીએ કહ્યું, “આ સ્વાભાવિક છે. જ્યારે લોકો ગુસ્સામાં હોય છે ત્યારે તેઓ કંઈપણ કરી શકે છે. હું ભાજપના કાર્યકરોનો આભારી છું જેમણે તે લોકોને કાબૂમાં રાખ્યા. તે સરકાર અને પ્રજાની સંપત્તિ છે. આ મિલકતને નુકસાન પહોંચાડવાનો કોઈ ફાયદો નથી.”

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર પાણીની તીવ્ર અછત છે અને લોકો દરેક ટીપા માટે તરસી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે હરિયાણા સરકાર દિલ્હીને તેના હકનું પાણી આપી રહી નથી. બીજી તરફ ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકારનું વોટર મેનેજમેન્ટ ખોટું છે. તેમનું માનવું છે કે ટેન્કર માફિયાઓ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની મિલીભગતને કારણે દિલ્હીમાં પાણીની તંગી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિષીએ ભાજપના કાર્યકરો પર દિલ્હી જલ બોર્ડની ઑફિસમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે.

new delhi aam aadmi party bharatiya janata party india national news