16 December, 2022 04:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી (Delhi)ના દેશ બંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર (Desh Bandhu Gupta Road Police Station)માંથી એક ખળભળાટ મચાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક સ્કૂલના શિક્ષકે એક છોકરીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી. ઘાયલ બાળકીને સારવાર માટે બડા હિન્દુ રાવ હૉસ્પિટલ (Bada Hindu Rao Hospital)માં લઈ જવામાં આવી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશ બંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશનના બીટ ઑફિસરને લોકો પાસેથી માહિતી મળી હતી કે એક શાળાની છોકરીને શિક્ષક દ્વારા શાળાની બિલ્ડિંગના પહેલા માળેથી નીચે ફેંકવામાં આવી છે. આ માહિતી પર SHO સહિત અન્ય પોલીસકર્મીઓ તરત જ ફિલ્મીસ્તાનની સામે આવેલી મોડલ બસ્તીની પ્રાથમિક શાળામાં - ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે જ સમયે, પોલીસે સ્થળ પરથી ભીડને હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસને ખબર પડી કે આરોપી શિક્ષકા ગીતા દેશવાલે પહેલા ધોરણ 5માં ભણતી વિદ્યાર્થિની વંદનાને નાની કાતરથી માર્યું હતું અને પછી તેને પહેલા માળે ક્લાસ રૂમમાંથી નીચે ફેંકી દીધી હતી. ત્યાર બાદ ઘાયલ છોકરીને સારવાર માટે બડા હિન્દુ રાવ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર છે. આ કેસમાં પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લઈ આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અલર્ટ થઈ જાઓ : ક્લીન-અપ માર્શલ્સ ફરી આવી રહ્યા છે
ભૂતકાળમાં પણ શિક્ષક પર બાળકોને માર મારવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે શિક્ષક પર ભૂતકાળમાં પણ બાળકોને માર મારવાનો આરોપ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શિક્ષકના આ વર્તનથી પરેશાન થઈને કેટલીક મહિલાઓ તરફથી ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી અને ન તો શિક્ષકમાં કોઈ ફેરફાર થયો હતો.