17 December, 2022 08:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાંચમા ધોરણની સ્ટુડન્ટ પર કાતરથી હુમલો કરીને તેને સ્કૂલના બિલ્ડિંગના પહેલા માળેથી ફેંકી દેનાર ટીચરને અટકાયતમાં લીધી હોવાનું દિલ્હી પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત છોકરીને હિન્દુ રાવ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તથા હાલ તે ખતરાથી બહાર હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
દિલ્હીની મ્યુનિસિપલ સ્કૂલમાં નોકરી કરતી આ ટીચરને તાત્કાલિક અમલથી નોકરીમાંથી દૂર કરવામાં આવી છે તથા તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ દિલ્હીના મૉડલ બસ્તી વિસ્તારમાં આવેલા પ્રાથમિક વિદ્યાલયમાં આ ઘટના બનતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડતાં પોલીસે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગીતા દેશવાલ નામની આ ટીચરે પહેલાં છોકરીને કાતરથી માર માર્યો હતો અને પછી પહેલા માળેથી નીચે ફંગોળી દીધી હતી. ટીચરને અટકાયતમાં લઈને તેની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ જ સ્કૂલમાં પાંચમાં ધોરણના અન્ય સ્ટુડન્ટના એક પેરેન્ટે કહ્યું હતું કે ‘હેડ માસ્ટરે આ ઘટના વિશે પેરેન્ટ્સને જાણ પણ નહોતી કરી. આ ટીચર અન્ય સ્ટુડન્ટ્સને પણ નુકસાન પહોંચાડવા માગે છે. અત્યાર સુધીમાં વહિવટીતંત્રમાંથી ઇન્સ્પેક્શન માટે કોઈ જ આવ્યું નથી.’