દિલ્હીમાં ખરેખર ભારતનું ઑલટાઇમ હાઈ ૫૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું?

30 May, 2024 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવામાન ખાતાએ કહ્યું કે અમે ચેક કરી રહ્યા છીએ કે રીડિંગ બરાબર હતું કે નહીં

જમ્મુ અને કાશ્મીરમાં પણ હીટવેવ ચાલી રહી છે જેને પગલે ગઈ કાલે જમ્મુમાં પોલીસનું એક વાહન ઠંડક ફેલાવવા પાણીનો છંટકાવ કરતું જોવા મળ્યું હતું

ભારતમાં ગઈ કાલે સૌથી હાઇએસ્ટ ગરમીનો આંક ૫૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. બપોરે અઢી વાગ્યે દિલ્હીમાં મુંગેશપુરના ટેમ્પરેચર મૉનિટરિંગ સ્ટેશનમાં આટલું તાપમાન નોંધાયું હતું. જોકે હવામાન ખાતાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે સેન્સર્સ ચેક કરી રહ્યા છીએ કે એણે બરાબર રીડિંગ આપ્યું હતું કે નહીં અને એ કન્ફર્મ કરી રહ્યા છીએ કે આ દેશનો સૌથી હૉટેસ્ટ દિવસ હતો કે નહીં.

જોકે આટલું વધારે તાપમાન નોંધાયું એ વિશે સ્પષ્ટતા કરતાં હવામાન ખાતાના પ્રાદેશિક વડા કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘મુંગેશપુર, નરેલા અને નજફગઢ દિલ્હી બહારના વિસ્તાર છે અને રાજસ્થાનથી આવતા ગરમ પવન પહેલાં અહીં પહોંચે છે. હરિયાણાથી આવતા ગરમ પવન પણ આ વિસ્તારમાં પહેલાં આવતા હોવાથી દિલ્હીના અન્ય વિસ્તારો કરતાં આ વિસ્તારોમાં વધારે ગરમી હોય છે. આ તાપમાન અનુમાન કરતાં ૯ ડિગ્રી વધારે છે. ૨૦૦૨માં અહીં ૪૯.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિલ્હીના પ્રાઇમરી સફદરજંગ વેધર સ્ટેશનમાં તાપમાન ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ૭૯ વર્ષમાં સૌથી વધારે છે.

કમ્પ્યુટર મૉડલ આધારિત ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન ડેટા મુજબ આગામી દિવસોમાં તાપમાન ઘટી જવાની શરૂઆત થશે અને હીટવેવની પરિસ્થિતિમાંથી લોકોને રાહત મળશે. બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજવાળા પવન પણ ઉત્તર પ્રદેશમાં ગરમીમાં રાહત અપાવશે.

રાજસ્થાનના ફલોદીમાં ૫૧ ડિગ્રી અને હરિયાણાના સિરસામાં ૫૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ રાજસ્થાનમાં બાડમેર, જોધપુર, ઉદેપુર, સિરોહી, જાલોરમાં તાપમાન મંગળવાર કરતાં ૪ ડિગ્રી ઘટ્યું હતું.

દિલ્હીમાં બુધવારે હળવા વરસાદથી ગરમીમાં રાહત

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે હવામાન એકાએક બદલાયું હતું અને હળવો વરસાદ પડતાં લોકોને બળબળતી ગરમીમાંથી એકાએક રાહત મળી હતી. જ્યાં બપોરે તાપમાન ૫૨.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું એમાં હળવા વરસાદે થોડી રાહત અપાવી હતી.

હવામાન ખાતાએ પણ આગામી દિવસોમાં દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજનમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હી સિવાય આસપાસના હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગોહના, સોનીપત, રોહતક, હાપુર, સિકંદરાબાદ અને બુલંદશહરમાં પણ હળવા વરસાદની આગાહી છે.

દિલ્હીમાં ગરમી પડવાનું મુખ્ય કારણ

દિલ્હીમાં ગરમી પડવા માટે આસપાસનાં રાજ્યો જવાબદાર છે. દિલ્હીની આસપાસ માત્ર જમીન છે, કોઈ પહાડ કે સમુદ્ર નથી. રાજસ્થાનમાં રણ છે અને એની રેતી ગરમ થાય તો એની પરથી પસાર થતી હવા દિલ્હીમાં આવે છે. આ ગરમ હવા દિલ્હીમાં ગરમીનો આંક વધારે છે. 

 

heat wave Weather Update new delhi indian meteorological department national news rajasthan haryana uttar pradesh