02 November, 2024 08:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગુરુવારની રાત્રે દિલ્હીવાસીઓએ દિવાળી મનાવી એ પછી વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું. દિલ્હીમાં દિવાળીની રાત્રે આગના ૩૧૮ કૉલ ફાયર-બ્રિગેડને આવ્યા હતા.
દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં દિવાળીની રાતે લોકોએ બૅનની જરાય પરવા કર્યા વિના ફટાકડા ફોડ્યા હતા. પરિણામે દિલ્હી આખી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું હતું. ગયા વર્ષે દિવાળીના દિવસે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર આઠ વર્ષમાં સૌથી ઓછું હતું, પણ આ વખતે પ્રતિબંધ હોવા છતાં દેશની રાજધાનીની હવા ઝેરીલી બની ગઈ હતી.
સૌથી વધારે ફટાકડા દિલ્હીના લાજપતનગર, કાલકાજી, છતરપુર, ઈસ્ટ ઑફ કૈલાશ, સાકેત, રોહિણી, દ્વારકા, પંજાબીબાગ, વિકાસપુરી, દિલશાદ ગાર્ડન, બુરારી અને પૂર્વ તથા પશ્ચિમ દિલ્હીના અમુક વિસ્તારોમાં ફૂટ્યા હતા.
ગુરુવારે રાતે નવ વાગ્યે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૨૭ હતો, જે ગઈ કાલ સવાર સુધીમાં વધીને ૩૫૯ થઈ ગયો હતો. જોકે દિલ્હીના અમુક વિસ્તારોમાં AQI ૪૦૦ની આસપાસ હતો જેમાં બુરારી ક્રૉસિંગ (૩૯૪), સોનિયા વિહાર (૩૯૨), પંજાબીબાગ (૩૯૧), નૉર્થ કૅમ્પસ (૩૯૦)નો સમાવેશ હતો.
દિલ્હીના પર્યાવરણપ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે ફટાકડા પરના પ્રતિબંધને અમલમાં મૂકવા માટે ૩૭૭ ટીમ બનાવી હતી અને આ તમામ ટીમને ફટાકડા ફોડનારા પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આમ છતાં દિલ્હીવાસીઓએ બેરોકટોક આખી રાત ફટાકડા ફોડ્યા હતા.
કયા AQIની કેવી અસર?
૦-૫૦ : સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ : સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ : થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ : ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ : બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ : ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.