28 January, 2023 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)માં આવેલ મુગલ ગાર્ડન (Mughal Garden) હવે અમૃત ઉદ્યાન (Amrit Udyan) તરીકે ઓળખાશે. કહેવામાં આવી આવ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખૂલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે.
અમૃત ઉદ્યાન આકર્ષણનું કેન્દ્ર
રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. અહીં બ્રિટિશ અને મુગલ બંને ગાર્ડનની ઝલક જોઈ શકાય છે. તેને બનાવવા માટે, એડવિન લ્યુટિયન્સે સૌ પ્રથમ દેશ અને વિશ્વના બગીચાઓનો અભ્યાસ કર્યો હતો. આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
ઘણા નામો બદલાયા
વાસ્તવમાં સરકારો સમયાંતરે અનેક સ્થળોના નામ બદલતી રહે છે. આ ક્રમમાં, ઘણી ઇમારતો, સંસ્થાઓ અને રસ્તાઓના નામ બદલવામાં આવ્યા છે. ઔરંગઝેબ રોડનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ, આયોજન પંચનું નામ નીતિ આયોગ, રેસકોર્સ રોડનું નામ લોક કલ્યાણ માર્ગ અને ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
આ બધું અમૃત ઉદ્યાનમાં વિશેષ
રાયસીના હિલ્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવનની અંદર 15 એકરનું અમૃત ઉદ્યાન છે, જેમાં ગુલાબ, વિવિધ ફૂલો, સેન્ટ્રલ લૉન અને લોગ, સર્ક્યુલર, આધ્યાત્મિક, હર્બલ (33 ઔષધીય છોડ) સહિત 10થી વધુ બગીચા છે. બોંસાઈ (250 છોડ), કેક્ટસ (80 જાતો) અને નક્ષત્ર ગાર્ડન (27 જાતો) સામેલ છે. આ ઉપરાંત લગભગ 160 જાતોના પાંચ હજાર વૃક્ષોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં નક્ષત્ર ગાર્ડન પણ છે, પરંતુ સામાન્ય લોકો અહીં ફેબ્રુઆરીથી માર્ચના નિર્ધારિત દિવસોમાં જ આવી શકે છે. આ પછી અહીંનો દરવાજો બંધ થઈ જાય છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના: એરફોર્સના આ બે ફાઈટર જેટ ક્રેશ
પ્રવેશ મફત
અમૃત ઉદ્યાનમાં એન્ટ્રી ફ્રી છે, અહીં તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકો છો. અમૃત ઉદ્યાન સફાઈ માટે સોમવારે બંધ રહે છે, તેથી તમારે આ દિવસે આવવું જોઈએ નહીં. તેમ જ અહીં ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવાની સખત મનાઈ છે.