દિલ્હીમાં એકલા ચૂંટણી લડીશું, કોઈની સાથે ગઠબંધન નહીં થાયઃ અરવિંદ કેજરીવાલ

11 December, 2024 12:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Polls: કેજરીવાલે બુધવારે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે તેઓ દિલ્હીમાં એકલા ચૂંટણી લડશે; આપે તેના ઉમેદવારોની બે યાદી પણ બહાર પાડી છે

ફાઇલ તસવીર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election 2025) બહુ દૂર નથી, આવી સ્થિતિમાં રાજકીય ગરમાવો પણ વધવા લાગ્યો છે. દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી (Delhi Polls)ને લઈને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP)એ મોટી જાહેરાત કરી છે. દિલ્હી (Delhi)ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી રાજધાનીની ચૂંટણી એકલા હાથે લડશે. અરવિંદ કેજરીવાલના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જેના પરિણામે AAPએ તેના ઉમેદવારોની બે યાદી પણ બહાર પાડી છે.

કેજરીવાલે બુધવારે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે તેઓ દિલ્હીમાં એકલા ચૂંટણી લડશે. તેમણે કહ્યું છે કે, ‘દિલ્હીમાં આમ આદમી પાર્ટી પોતાના બળ પર આ ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ શક્યતા નથી.’

અરવિંદ કેજરીવાલે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તેમની પાર્ટી આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન નહીં કરે. હવે તેમણે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધનની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. આ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ આ સમજૂતીએ બંને પક્ષોએ વિચાર્યું હતું તેવું કામ કર્યું ન હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રણ ટર્મથી સરકાર ચલાવી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ દિલ્હીમાં ફરીથી સત્તા પર પાછા ફરવા માટે ઉત્સુક છે. જોકે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત સમજૂતીની શક્યતાને નકારી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ પહેલા જ આને મંજૂરી આપી ચૂક્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પણ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ (Devendra Yadav) કહ્યું હતું કે, તેમની પાર્ટી તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે લોકસભા ચૂંટણીમાં થયેલી સમજૂતીને ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી ફરી ભૂલ કરશે નહીં. જ્યારે AAP પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમની પાર્ટી એકલા ભાજપ અને કોંગ્રેસને સંભાળવા સક્ષમ છે.

અગાઉ સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન માટે સમજૂતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને ૧૫ બેઠકો મળી શકે છે અને અન્ય I.N.D.I.A ગઠબંધન સભ્યોને એક કે બે બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે. પરંતુ હવે AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે, ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ બુધવારે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, દિલ્હી ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ સોમવારે ૯ ડિસેમ્બરના રોજ તેના ૨૦ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ પહેલા AAPએ તેના ૧૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

aam aadmi party arvind kejriwal new delhi assembly elections congress bharatiya janata party political news national news news