દિલ્હી પોલીસને મળ્યો આફતાબ-શ્રદ્ધા વચ્ચેના ઝગડાનો ઑડિયો, હવે થશે વોઈસ ટેસ્ટ

26 December, 2022 12:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી પોલીસ આ ઑડિયોને મોટા પુરાવા તરીકે જોઈ રહી છે

ફાઇલ તસવીર

શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case)ની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ (Delhi Police)ને એક ઑડિયો મળ્યો છે, જેને આફતાબ (Aftab Poonawala) વિરુદ્ધ મોટો પુરાવો માનવામાં આવી રહ્યો છે. આ ઑડિયોમાં આફતાબ અને શ્રદ્ધા એકબીજા સાથે ઝઘડતા સાંભળવા મળે છે. બીજી તરફ દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઑડિયો પરથી સ્પષ્ટ થાય છે કે આફતાબ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો.

દિલ્હી પોલીસ આ ઑડિયોને મોટા પુરાવા તરીકે જોઈ રહી છે. જોકે, હવે આ ઑડિયોને આફતાબના અવાજ સાથે મેચ કરવા માટે પોલીસ આરોપીના વોઈસ સેમ્પલ લેશે. CFSLની ટીમ આફતાબના અવાજના નમૂના લેવા માટે CBI હેડક્વાર્ટર પહોંચી છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ઑડિયોની મદદથી હત્યાનો હેતુ શોધી શકાશે.

શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે. આરોપીના પોલીગ્રાફ ટેસ્ટથી લઈને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા છે. આફતાબ અને શ્રદ્ધા બંને મુંબઈના રહેવાસી હતાં અને તાજેતરમાં જ દિલ્હી શિફ્ટ થયા હતા. બંને દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતાં હતાં.

આફતાબે તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે 18 મેના રોજ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. ઘણા દિવસો સુધી આફતાબ એક પછી એક શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફેંકવા માટે મહેરૌલીના જંગલમાં જતો હતો.

આફતાબે પાછી ખેંચી જામીન અરજી

શ્રદ્ધાના આરોપી આફતાબ વતી દિલ્હી (Delhi)ની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આફતાબની સંમતિ માટે તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવે. આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે કોર્ટને કહ્યું કે તે તેના વકીલને મળવા માગે છે અને તે પછી જ જામીન અરજી દાખલ કરવા અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: વડા પ્રધાને ક્રિસમસ વેકેશનમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો અપનાવવા કહ્યું

વકીલને મળ્યા બાદ આફતાબે કોર્ટને કહ્યું હતું કે તે હાલમાં જામીન અરજી દાખલ કરવા માગતો નથી. આફતાબે ઈમેલ દ્વારા કોર્ટને જાણ કરી હતી કે તેણે `જામીન અરજી` પર સહી કરી છે, પરંતુ તે જાણતો ન હતો કે તેના વકીલ તેના વતી જામીન અરજી દાખલ કરવાના છે.

national news delhi police delhi