28 May, 2023 01:34 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ
રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ સિંહ (Brijbhushan Singh) વિરુદ્ધ કુસ્તીબાજોની એક મહિનાથી વધુ લાંબી હડતાળને લઈને દિલ્હી પોલીસે (Delhi Police) કડક વલણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસે જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી કુસ્તીબાજોનો ટેન્ટ પણ હટાવી દીધો છે.
એવું કહેવાય છે કે 23 એપ્રિલથી જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ નવા સંસદ ભવન (New Parliament) સુધી શાંતિપૂર્ણ માર્ચની જાહેરાત કરી હતી. કુસ્તીબાજો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સવારે 11.30 વાગ્યે નવા સંસદ ભવન માટે રવાના થયા હતા. દિલ્હી પોલીસે કુસ્તીબાજોને રોકવા માટે બેરિકેડ લગાવી દીધા હતા.
નવા સંસદ ભવન સુધી પહોંચવા માટે નીકળેલા કુસ્તીબાજોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. પોલીસે સાક્ષી મલિક સહિત કેટલાક કુસ્તીબાજોને કસ્ટડીમાં લીધા હતા. તેમ છતાં કુસ્તીબાજો નવા સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ માર્ચ કાઢવા પર અડગ રહ્યા હતા. કુસ્તીબાજોએ શાંતિપૂર્ણ માર્ચ કાઢવાને તેમનો અધિકાર ગણાવ્યો અને દિલ્હી પોલીસ પર રાષ્ટ્ર વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો.
જ્યારે પોલીસે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને કસ્ટડીમાં લીધા ત્યારે તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. આ પહેલા વિનેશ ફોગાટે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે મહિલા મહાપંચાયતમાં હાજરી આપવા આવતા તમામ નેતાઓને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે સવારે 11:30 વાગ્યે નવી સંસદ તરફ માર્ચ કરીશું. હું પોલીસ પ્રશાસનને અપીલ કરીશ કે અમે શાંતિથી જઈશું, અમને હેરાન કરવામાં ન આવે. દરેકને શાંતિ જાળવવા વિનંતી છે.” પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ અધિકારીઓ ગેરવર્તન કરી રહ્યા છે. પરિવારોને પણ અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આજે મહાપંચાયત થશે. અમે ગઈકાલે જ તેની પરવાનગી માટે અરજી કરી હતી. પોલીસ અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે. અમારી કોઈ વાતચીત થઈ નથી.”
સરકાર કરાર માટે દબાણ કરી રહી છેઃ વિનેશ ફોગાટ
આ પહેલા મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે, “સરકાર અમારા પર સમાધાન માટે દબાણ કરી રહી છે, પરંતુ અમે સમાધાન માટે તૈયાર નથી કારણ કે જે શરત રાખવામાં આવી છે તે બ્રિજભૂષણની ધરપકડની બિલકુલ નથી. નવી સંસદની સામે મહિલા સન્માન મહાપંચાયત યોજાશે.”