09 January, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી : દિલ્હી પોલીસે ઇન્સ્પેક્ટર લેવલના તમામ અધિકારીઓને નાઇટ ડ્યુટી દરમ્યાન તેમના લાઇવ લોકેશન્સ શૅર કરવા જણાવ્યું છે. એક અઠવાડિયા પહેલાં દિલ્હીમાં ૨૦ વર્ષની એક યુવતીને કારની નીચે ૧૩ કિલોમીટર સુધી ઘસેડવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ સ્ટેશન હાઉસ ઑફિસર્સ, ઍન્ટિ-ટેરરિસ્ટ ઑફિસર્સ અને ઇન્સ્પેક્ટર ઑફ ઇન્વેસ્ટિગેશનને પોલીસ-સ્ટેશનમાંથી બહાર જતાં પહેલાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને વાકેફ કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ ઑર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે ‘એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર), ઍન્ટિ-ટેરરિસ્ટ ઑફિસર અને ઇન્સ્પેક્ટર ઑફ ઇન્વેસ્ટિગેશનને તેમના લાઇવ લોકેશન્સ શૅર કરવા જણાવવામાં આવ્યું છે. રાતે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી તેમણે લાઇવ લોકેશન્સ સાથે તેમની પોઝિશન્સ વિશે અપડેટ આપતા રહેવું પડશે.’
સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યુ યરની રાતે બનેલી ઘટનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંજલિ સિંહ નામની યુવતી તેના ટૂ-વ્હીલર પર એક ફ્રેન્ડની સાથે ઘરે જઈ રહી હતી ત્યારે રાતે બે વાગ્યે એક કારની સાથે તે ટકરાઈ હતી. તે કારમાં ફસાઈ ગઈ હતી અને એ કારની સાથે તે ઘસડાઈ હતી.