બૉડીબિલ્ડિંગ કરવા આ ભાઈ ગળી ગયા ૩૯ કૉઇન્સ અને ૩૭ મૅગ્નેટ્સ, ડૉક્ટરોએ સર્જરી કરીને કાઢ્યાં

28 February, 2024 10:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કરાયેલી સર્જરી દરમ્યાન જાણવા મળ્યું કે ચુંબક અને સિક્કા નાના આંતરડામાં બે અલગ-અલગ લૂપ્સમાં હતાં.

સિક્કાની તસવીર

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના ડૉક્ટરોએ સર્જરી કરીને એક માણસના આંતરડાંમાંથી ૩૯ સિક્કા અને ૩૭ મૅગ્નેટ બહાર કાઢ્યાં હતાં. દરદીને માનસિક બીમારી હતી અને તે સિક્કા અને ચુંબકને એવી ધારણા હેઠળ ગળી ગયો હતો કે ઝિન્ક બોડીબિલ્ડિંગમાં મદદ કરે છે. ૨૬ વર્ષના યુવકને ૨૦ દિવસ સુધી વારંવાર ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સર ગંગારામ હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે કશું ખાઈ શકતો નહોતો. ત્યાર બાદ તેના પેટના એક્સ-રે અને સીટીસ્કૅનમાં સામે આવ્યું હતું કે સિક્કા અને ચુંબકને લીધે તેના આંતરડામાં બ્લૉકેજ થયું છે.

એ પછી કરાયેલી સર્જરી દરમ્યાન જાણવા મળ્યું કે ચુંબક અને સિક્કા નાના આંતરડામાં બે અલગ-અલગ લૂપ્સમાં હતાં. ચુંબકીય અસરે બન્ને લૂપ્સને સાથે ખેંચી લીધાં અને એને નષ્ટ કરી નાખ્યાં. દરદીનાં આંતરડાં ખોલીને કૉઇન્સ અને ચુંબક બહાર કાઢવામાં આવ્યાં હતાં અને બન્ને લૂપને બે અલગ-અલગ એનાસ્ટોમોઝ દ્વારા ફરી જોડવામાં આવ્યાં હતાં. તેના પેટને ખોલીને બધા કૉઇન્સ કાઢવામાં આવ્યા અને તેનું પેટ રિપેર કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે તેના પેટમાંથી કુલ ૩૯ સિક્કા (૧, ૨, ૫ રૂપિયાના કૉઇન) અને ૩૭ ચુંબક (હાર્ટ, ગોળાકાર, સ્ટાર, બુલેટ અને ત્રિકોણ આકારનાં) મળી આવ્યાં હતાં.

national news delhi news offbeat news