દિલ્હીના સીએમ કેજરીવાલને વચગાળાના જામીન મળશે? અદાલતમાં આજે સુનાવણી

10 May, 2024 12:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Liquor Case: કાયદા દરેક માટે સમાન છે, અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી, એવી દલીલ ઇડીએ કરી હતી.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની (Delhi Liquor Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 21 માર્ચ 2023ના રોજ દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કથિત રીતે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જોકે આ ધરપકડ બાદ વચગાળાના જામીન માટે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી આ મામલે આજે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કરે એવી શક્યતા છે.

સીએમ અરવિંદ કેજરીવાલે દેશમાં ચાલી રહેલા લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તેમને જામીન આપવામાં આવે એવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. કેજરીવાલની આ અરજી પર અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, જેથી આજની સુનાવણીમાં અરવિંદ કેજરીવાલને જામીન મજૂર થશે એવી આશા અને શક્યતા આમ આદમી પાર્ટીના નેતાઓએ અને કેજરીવાલના વકીલે વ્યક્ત કરી છે.

દિલ્હી લીકર મની લોન્ડરિંગ કેસમાં (Delhi Liquor Case) કથિત રીતે સામેલ હોવાના આરોપસર ધરપકડ બાદ તિહાડ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની અરજીના ચુકાદાને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે સાત મેએ થયેલી સુનાવણીમાં અનામત રાખ્યો હતો. જોકે કેજરીવાલને વચગાળાના જામીન ન મળે તે માટે ઇડી દ્વારા આ મામલે અદાલત સમક્ષ અનેક મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી, પરંતુ  કેજરીવાલના વકીલે લોકસભા ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો આપી તેમના જામીન મંજૂર કરવામાં આવે એવી દલીલ પણ રજૂ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે નવ એપ્રિલે કેજરીવાલને ધરપકડને યોગ્ય ગણાવતા ઇડીની આ કાર્યવાહીમાં કોઈપણ ગેરકાયદેસરતા નથી, એવું કહ્યું હતું. ઇડીએ (Delhi Liquor Case) કેજરીવાલને આ કેસમાં અનેક વખત સમન્સ મોકલ્યા હતા, પણ કેજરીવાલ દ્વારા આ દરેક સમન્સની અવગણના કરીને દિલ્હી લીકર કેસમાં મની લોન્ડરિંગ કેસ સંબંધિત હાથ ધરવામાં આવેલી તપાસમાં પણ સહભાગી થવાનો કેજરીવાલે ઇનકાર કર્યો હતો, એવા કડક શબ્દોમાં અદાલતે ચુકાદો આપ્યો હતો. તેમ જ ગયા મંગળવારે થયેલી સુનાવણીમાં  દિલ્હીની અદાલતે મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને 20 મે સુધી વધારવાનો આદેશ પણ જાહેર કર્યો હતો.

ઇડીએ અરવિંદ કેજરીવાલના જમીન રોકવા માટે શું કહ્યું?

ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલના જામીનની અરજીનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું. ઇડીએ તેમનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે કાયદા દરેક માટે સમાન છે, અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી. કોઈપણ રાજકીય નેતાને ચૂંટણી પ્રચાર કરવા માટે ક્યારેય જામીન આપવામાં આવ્યા નથી. કેજરીવાલને જેલમાંથી તેમના પક્ષના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે જવા દેવાથી ખોટું ઉદાહરણ બનશે.

arvind kejriwal directorate of enforcement delhi news aam aadmi party supreme court new delhi national news