08 January, 2023 08:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત અત્યંત ઠંડીનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં એને લીધે સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. દિલ્હીમાં ગઈ કાલે મિનિમમ તાપમાન ૨.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે.
પાલમમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી માત્ર ૫૦ મીટર રહી ગઈ હતી. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધુમ્મસને કારણે ૩૬ ટ્રેનો સાતેક કલાક માટે ડિલે રહી હતી. દિલ્હીમાં લોઢી રોડ, અયાનગર અને રિજમાં મિનિમમ તાપમાન અનુક્રમે ૨, ૩.૪ અને ૧.૫ ડિગ્રી નોંધાયું હતું.
દિલ્હી દેશનાં અનેક હિલ સ્ટેશન્સ કરતાં વધારે ઠંડુંગાર છે, જેમાં ડેલહાઉસી (૮.૭ ડિગ્રી), ધરમશાલા (૫.૪ ડિગ્રી), શિમલા (૬.૨ ડિગ્રી), દેહરાદૂન (૪.૪ ડિગ્રી), મસુરી (૬.૪ ડિગ્રી) અને નૈનીતાલ (૬.૫ ડિગ્રી)નો સમાવેશ થાય છે.
પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીથી લોકોને રાહત નથી મળી. ગઈ કાલે અનેક જગ્યાએ મિનિમમ તાપમાન નૉર્મલ લિમિટ કરતાં ઓછું રહ્યું હતું. ગઈ કાલે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીને અસર થઈ હતી. હરિયાણાના નરનૌલ અને હિસારમાં તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહ્યું હતું.
લગભગ સમગ્ર રાજસ્થાન પણ અત્યંત ઠંડુંગાર રહ્યું છે. શુક્રવારે રાતે ચુરુમાં મિનિમમ તાપમાન ૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર શુક્રવારે રાતે સિકરમાં ૧.૦ ડિગ્રી, કરૌલીમાં ૧.૨ ડિગ્રી, જ્યારે બિકાનેરમાં ૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ઠંડીને કારણે દેશના અનેક વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે; જેમ કે મધ્ય પ્રદેશમાં ભોપાલ, ઇન્દોર, વિદિશા અને ઉજ્જૈન સહિત અનેક જિલ્લામાં સ્કૂલો ૧૦ જાન્યુઆરી સુધી બંધ રહેશે.
જયપુરમાં સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં વિન્ટર વેકેશન્સ આ પહેલાં ૨૫ ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધીનું હતું, પણ ઠંડીને કારણે આ વેકેશન વધુ દિવસ લંબાવાયું હતું.
નોએડામાં ૧૪ જાન્યુઆરી સુધી ૧થી ૮ ધોરણની સ્કૂલો બંધ રહેશે. દિલ્હીની તમામ સરકારી સ્કૂલોમાં ૧૫ જાન્યુઆરી સુધી વિન્ટર વેકેશન હશે. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ૧થી ૮ ધોરણની સ્કૂલો ૧૪ જાન્યુઆરી સુધી બંધ રહેશે.