દિલ્હીમાં શાળાઓ બાદ હવે હૉસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી શોધખોળ

12 May, 2024 06:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીની બુરારી સરકારી હૉસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હૉસ્પિટલમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

Delhi Hospitals Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બ ધડાકાની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની બુરારી સરકારી હૉસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હૉસ્પિટલમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, તેની પાસેથી કંઈ જ રિકવર થયું ન હતું. થોડા દિવસો પહેલાં જ દિલ્હી-એનસીઆરની ઘણી જાણીતી શાળાઓને ધમકીભર્યા મેલ અથવા કૉલ્સ આવ્યા હતા. શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી અને તે હોક્સ કૉલ હોવાનું સાબિત થયું હતું.

દિલ્હીના ફાયર વિભાગે કહ્યું કે, “બુરારી સરકારી હૉસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હૉસ્પિટલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. સર્ચ ઑપરેશન ચાલુ છે.” બીજી તરફ દિલ્હી પોલીસે પણ કહ્યું કે, “બુરારી હૉસ્પિટલમાં બોમ્બની ધમકી મળી છે. સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ (BDT) હૉસ્પિટલમાં હાજર છે. શંકાની ખાતરી કરવા માટે કંઈપણ મળ્યું નથી.”

દિલ્હી અને નોઈડાની શાળાઓમાં પણ આવી જ અફવા ફેલાઈ

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓને આ જ તર્જ પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ ખૂબ જ ડરી ગયા હતા. માહિતી મળતાં જ દરેક શાળાની શોધખોળ કરવામાં આવી હતી અને જે શાળાના વિદ્યાર્થીઓને મેઈલ મળ્યા ન હતા તેઓને પણ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, શોધખોળમાં કંઈ મળ્યું ન હતું.

ચૂંટણી દરમિયાન અફવાઓએ પડકાર વધાર્યો

આવી ઘટનાઓ એવા સમયે બની રહી છે, જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી દરમિયાન સલામત મતદાન કરાવવાની જવાબદારીમાં પોલીસ વ્યસ્ત છે તો બીજી તરફ આવા મેઈલ પડકાર બનીને ઊભરી રહ્યા છે.

દિલ્હીમાં વરસાદ સાથે તોફાન: બેનાં મોત, ૨૫ ઘાયલ

દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં શુક્રવારે સાંજે આવેલા તોફાનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પચીસથી વધારે લોકો ઘાયલ થયા હતા. તોફાનની સાથે વરસાદ પણ પડ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઊડતી હતી. દિલ્હી ઍરપોર્ટ પર ઊતરનારી ૯ ફ્લાઇટોને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદને કારણે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

ભારે પવનથી આશરે ૧૫૨ વિશાળકાય વૃક્ષો ધરાશાયી થયાં હતાં. બે જણ એની નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૬ લોકો ઘાયલ થયા હતા. એક બિલ્ડિંગનો હિસ્સો પડી જતાં ૧૭ લોકો ઘાયલ થયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજળીપુરવઠો પણ ખોરવાયો હતો. એક સાઇન બોર્ડ નીચે પડતાં એની નીચે એક ઍમ્બ્યુલન્સ સહિત બે વાહનો દટાયાં હતાં.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બેથી ત્રણ દિવસ દિલ્હીમાં વરસાદ પડવાની સંભાવના છે. ભારે પવન ફૂંકાઈ શકે છે અને તોફાન સાથે વરસાદની આગાહી છે. લોકોએ આવા સમયે ઘરની અંદર જ રહેવું જોઈએ એવી સલાહ આપવામાં આવી છે.

new delhi delhi news delhi police india national news