04 April, 2024 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર ગઈ કાલે લાંબી સુનાવણી બાદ દિલ્હી હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમ્યાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલ હતી કે પુરાવા નહીં હોવા છતાં મારા અસીલની ધરપકડ કરવામાં આવી છે, જે અયોગ્ય છે. જોકે EDના વકીલ અને ઍડિશનલ સૉલિસિટર જનરલ એસ. વી. રાજુએ કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે એટલે ધરપકડ થાય નહીં એ શક્ય નથી. EDના વકીલે કહ્યું હતું કે તમે દેશને લૂંટો અને ચૂંટણી આવે છે એટલે કોઈ ધરપકડ કરે નહીં એ શક્ય નથી.
AAPનો દાવો : કેજરીવાલનું વજન ૪.૫ કિલો ઘટી ગયું
આમ આદમી પાર્ટી (AAP)નાં નેતા અતિશીએ બુધવારે જણાવ્યું હતું કે જેલમાં મુખ્ય પ્રધાન કેજરીવાલની તબિયત સતત ખરાબ થઈ રહી છે. ડાયાબિટીઝના દરદી કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે તેમનું વજન ૬૯.૫ કિલો હતું. ૧૨ દિવસમાં તેમના વજનમાં ૪.૫ કિલોનો ઘટાડો થયો છે. જોકે અતિશીના દાવાને તિહાડ જેલતંત્રએ નકાર્યા હતા.
મંગળવારે AAPના નેતા સંજય સિંહને છ મહિના બાદ જામીન મળ્યા હતા, પરંતુ કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ ગઈ કાલે તેઓ તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા.