01 January, 2023 08:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના બહારના વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. નશામાં ધૂત પાંચ યુવકો યુવતીને તેમની બલેનો કારમાં લગભગ 10 કિલોમીટર સુધી ખેંચી ગયા હતા. યુવતી કારમાં ફસાઈ ગઈ હતી. છોકરીની હાલત એવી થઈ ગઈ કે તેના બધા હાડકાં ચકનાચૂર થઈ ગયા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ ગયા હતા, જેના કારણે તેણીનું દર્દનાક રીતે મૃત્યુ થયું હતું.
આ ચોંકાવનારી ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા સહિત સમગ્ર દિલ્હી પોલીસ નવા વર્ષની ઉજવણી માટે રસ્તા પર ઉતરી આવી હતી. તેને દેશનો સૌથી મોટો રોડ અકસ્માત કહેવામાં આવી રહ્યો છે. સુલતાનપુરી પોલીસ સ્ટેશને કેસ નોંધીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: જાણો એ બે ઘટના વિશે જેને લઈ મુંબઈમાં જૈન સમાજ ઉતર્યો રોડ પર, કર્યો ભારે વિરોધ
યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. આરોપી યુવકોનું કહેવું છે કે તેઓ દારૂના નશામાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડતા હતા. આ કારણોસર તેઓ જાણતા ન હતા કે છોકરી કારમાં ફસાઈ ગઈ છે. એક કાર્યક્રમમાં ફરજ બજાવીને યુવતી સ્કૂટી પરથી અમન વિહાર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહી હતી. દિલ્હી પોલીસ તેને માત્ર એક રોડ અકસ્માત કહી રહી છે, પોલીસની થિયરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. યુવતી સાથે કંઇક ખોટું થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.