Delhi Crime : એક મિસ્ડ કૉલથી ઉકેલાયો 11 વર્ષની સગીરાની હત્યાનો કેસ, જાણો 

24 February, 2023 02:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી(Delhi)ના નંગલોઈ વિસ્તારમાં 9 ફેબ્રુઆરીએ એક 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. એક મિસ્ડ કૉલથી દિલ્હી પોલીસ(Delhi Police)એ આ મામલો હવે ઉકેલ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

દિલ્હી(Delhi)ના નંગલોઈ વિસ્તારમાં 9 ફેબ્રુઆરીએ એક 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. દિલ્હી પોલીસ(Delhi Police)એ આ મામલો હવે ઉકેલ્યો છે. હકીકતે, બાળકીની માતાના ફોનમાં આવેલા એક મિસ્ડ કૉલની મદદથી પોલીસ અપરાધી સુધી પહોંચવામાં સફળ રહી છે. પોલીસે કહ્યું કે 21 વર્ષીય રોહિત ઉર્ફે વિનોદે બાળકીની હત્યા કરી હતી અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ANI સાથે વાત કરતાં બાળકીની માતાએ કહ્યું કે 9 ફેબ્રુઆરીએ તેમની બાળકી લગભગ 7:30 વાગ્યે શાળાએ જવા માટે ઘરેથી નિકળી હતી. તેનો ભાઈ તેણીને  રોજ શાળાએ છોડવા જતો હતો પરંતુ એ દિવસે તેણી બસથી ગઈ હતી. રાતના 11 વાગ્ય સુધી પણ શાળાએથી ઘરે પરત ન ફરતાં અમે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ દાખલ કરાવી હતી.    

બાળકીની માએ કહ્યું કે લગભગ 11.50 વાગ્યે એક મિસ્ડ કૉલ આવ્યો હતો. જ્યારે તેણીએ તે નંબર પર કૉલ બૅક કર્યો તો નંબર સ્વિચ ઑફ આવી રહ્યો હતો. અમે પોલીસને કૉલ વિશે જાણ કરી અને પોલીસે આ મામલે તપાસ કરી. મોબાઈલ નંબરના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. 12 દિવસની તલાશી બાદ આરોપી વિનોદ પોલીસના હાથે ઝડપાયો. 

પૂછપરછ દરમિયાન આરોપીએ અપરાધ કબૂલ કર્યો અને ખુલાસો કર્યો કે તેણે 9 ફેબ્રુઆરીએ બાળકીને મારી નાખી હતી. બાદમાં ધેવરા મોર પાસે મૃતદેહને દફનાવી દીધો હતો. 

આ પણ વાંચો: Video : ...અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યો દેશનો મહાઠગ સુકેશ ચંદ્રશેખર

બાળકીની માતાએ કહ્યું કે, મારી દીકરી ચાર ભાઈઓમાં એકમાત્ર બહેન હતી. ઘરમાં દરેક લોકો તેને ખુબ જ પ્રેમ કરતા હતાં. બાળકીના પિતાએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. 

દિલ્હી પોલીસના અધિકારીઓ અનુસાર તપાસ દરમિયાન એક શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યો હતો. જેની મદદથી આરોપીને 21 ફેબ્રુઆરીના રોજ પકડ પાડવામાં આવ્યો. આરોપીએ ખુલાસો કર્યો તે 9 ફેબ્રુઆરીએ બાળકીને મળ્યો હતો. વધુમાં પોલીસે ઉમેર્યુ કે પીડિતની માતાના ફોનમાં આવેલ મિસ્ડ કૉલ પરથી આ કેસ ઉકેલાયો છે. હત્યા શા માટે કરવામાં આવી તે પાછળનું કારણ હજી એકબંધ  છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ માલુમ પડશે કે છોકરી સાથે દુષ્કર્મ થયું છે કે નહીં. હજી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.  

 

national news delhi news delhi police Crime News